વાંકાનેરના વઘાસિયાગામ નજીક સિરામીકની બંધ ફેક્ટરી ભાડે રાખીને કેટલાક માથાભારે તત્વોએ નકલી ટોલનાકુ ઉભું કર્યું હતું અને વાહનચાલકો પાસેથી કરોડોની ઉઘરાણી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ટોલનાકા પર કારના 50 અને મોટા વાહનોના 100 રૂપિયા ઉઘરાવામાં આવતા હતાં. આ મામલે નિવૃત્ત આર્મીમેન ગણાવતા રવિ નામના વ્યક્તિ સામે આરોપ છે. જ્યારે અધિકારીઓએ યુનિટના માલિકને નોટિસ આપી છે. મોરબીના વાંકાનેર નજીક વઘાસિયા ગામ નજીક કાયદેસરનું પણ ટોલનાકુ છે પરંતુ બાજુમાં નકલી ટોલનાકુ પણ સામે આવ્યું છે. જેમાં વાહનો પ્રમાણે અલગ અલગ ભાવ લેવામાં આવતા હતા, વ્હાઈટ હાઉસ નામની બંધ સિરામિક ફેકટરી ભાડે રાખી આ ટોલનાકુ ચલાવવામાં આવતું હોવાની ચર્યા સામે આવી છે.