ગુજરાતમાં હાલ શિક્ષણને લઈ વિવિધ સમસ્યાઓ વકરી રહી છે ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે 16 વર્ષ બાદ ચાલુ વર્ષનો શાળા પ્રવેશોત્સવ રદ કરવાની જાહેરાત કરી હતી. આમ રૂપાણી સરકારે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ ચાલુ વર્ષ પુરતો રદ કરી દીધો છે. આ પહેલા ગત 13, 14 અને 15 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ 'વાયુ' સાયકલોનને કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. તે સમયે શાળા પ્રવેશોત્સવ બાદમાં યોજવામાં આવશે એવો નિર્ણય લીધો હતો. જોકે બજેટ સત્રને પગલે રાજ્ય સરકારનું વહીવટીતંત્ર બજેટની તૈયારીમાં લાગી ગયું હોવાથી શાળા પ્રવેશોત્સવ આ વર્ષ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હોવાનો શિક્ષણમંત્રીએ સ્વીકાર કર્યો હતો.
આ પહેલા 9 જૂનના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા મંદિર ખાતે ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે, સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 42થી ઘટીને 35 થઈ ગઈ છે જ્યારે 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં લગભગ 90 ટકાનો વધારો થઈ 26થી વધીને 49 થઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ પાછળ 1.13 લાખ કરોડનો ખર્ચ કર્યો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 1.42% ડ્રોપ આઉટ રેશિયો છે.