નવરાત્રિના વરસાદે મોંઘવારી વધારી, શાકભાજીના ભાવમાં ફરીવાર સર્જિકલ સ્ટ્રાઈક

બુધવાર, 19 ઑક્ટોબર 2016 (14:53 IST)
નવરાત્રિ દરમિયાન પડેલા વરસાદની આડઅસરના નામે શહેરમાં માંડ માંડ સસ્તાં થયેલાં શાકભાજી ફરી મોંઘાં થયાં છે. છેલ્લા એક અઠવાડિયામાં ખાસ કરીને છેલ્લા ચાર દિવસમાં શાકભાજીના ભાવ ફરી રૂ.૮૦ પ્રતિકિલોની આસપાસ પહોંચી ગયા છે. છેલ્લા વરસાદથી શાકભાજીનો પાક બગડ્યો હોવાના કારણે અચાનક ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. હજુ ગત સપ્તાહે ટામેટાંથી લઇને અન્ય રોજબરોજ વપરાતાં સિઝનલ શાકભાજી રૂ.૩૦ થી ૪૦ પ્રતિકિલો મળતાં હતાં, જે હવે સીધા ડબલ થઇ ગયા છે.

નવરાત્રિ દરમ્યાન પડેલા વરસાદના કારણે શાકભાજીની આવક ઘટી છે અને તેના કારણે ભાવ વધ્યા છે. એક જ અઠવાડિયામાં લીંબુ સહિત અન્ય શાકભાજી ૩૦ થી ૪૦ ટકા મોંઘાં થયાં છે. આ અંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ  સેક્રેટરી દીપક પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ સિઝનમાં શાકભાજીના ભાવ સૌથી નીચી સપાટીએ રહે છે, પરંતુ છેલ્લે પડેલા વરસાદથી શાકભાજીનો પાક બગડ્યો છે. ભાવ ઘટવામાં હજુ ૧૦થી ૧૫ દિવસ લાગશે.

શાકભાજીના છોડ પર જીવાત બેસી જતાં પાકની આવક ઘટી છે. તેના કારણે ભાવવધારો જોવા મળી રહ્યો છે. બજારમાં શાકભાજીનો જે જથ્થો આવે છે તેમાં ર૦ ટકા ઘટાડો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાકભાજીમાં ૩ ચેઇન સિસ્ટમ હોય છે, તેેના કારણે તાત્કા‌િલક ભાવ વધી જાય છે. ખેડૂત વેપારીને શાક આપે, ત્યારબાદ તે એપીએમસીમાં આવે, ત્યાંથી છૂટક વેપારીઓ ખરીદે, જે ગ્રાહકોના હાથમાં આવતાં ભાવ બમણા થઇ જાય.

  

વેબદુનિયા પર વાંચો