રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય, ખેડૂતોને સિંચાઈ માટે અપાતા પાણીની મુદત લંબાવાઈ

સોમવાર, 6 એપ્રિલ 2020 (09:59 IST)
ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોને સહાયરૂપ થવા અનેકવિધ નિર્ણયો લીધા છે, ત્યારે ચાલુ સિઝનમાં ખેડૂતોને પાક બચાવવા તથા ઘાસચારો ઉગાડવા માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પિયતનું પાણી વધુ દશ દિવસ સુધી આપવાનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મારી સમક્ષ ખેડૂતો, ખેડૂત આગેવાનો અને ધારાસભ્યઓ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે તારીખ ૫મી એપ્રિલ ૨૦૨૦ સુધી નર્મદાનું પાણી આપવાનો નિર્ણય અગાઉ કરાયો હતો તે વધુ દશ દિવસ લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી તેને અનુલક્ષીને ખેડૂતોની લાગણી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નર્મદા યોજનામાંથી અપાતું પિયતનું પાણી આગામી તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૦ સુધી આપવાનો નિર્ણય કરાયો છે.
 
જેના કારણે નર્મદા કમાન્ડ વિસ્તાર સહિત ફતેહવાડી અને ખારીકટ કેનાલમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ બનશે જેના લીધે ખેડૂતોને ઘાસચારો ઉગાડવા તથા અન્ય વાવેતર કરાયેલ પાક માટે આ પાણી ઉપયોગમાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર