મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યસ્તરની તકેદારી અને મોનિટરીંગ સમિતીની બેઠક યોજાઇ

ગુરુવાર, 20 જૂન 2019 (09:23 IST)
રાજ્યમાં સામાજિક સમરસતા-સદભાવનું શાંતિપૂર્ણ વાતાવરણ રહે તે માટે અનૂસુચિત જાતિ-જનજાતિ, પીડિત, શોષિત, દલિત વર્ગો પરના ખૂન, બળાત્કાર, મહાવ્યથા સહિતના ગંભીર અત્યાચારોના કિસ્સામાં અત્યાચાર આચરનારા આરોપી પકડવા, ચાર્જશીટ તૈયાર કરવા સહિતની કામગીરી પર વિશેષ ફોકસ કરવામાં આવશે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આવા વંચિત વર્ગોના સૌને સામાજીક ન્યાય મળે, રક્ષણ મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા અને મોનિટરીંગ માટે રાજ્ય સરકાર સંપુર્ણ પ્રતિબધ્ધ છે. 
 
વિજય રૂપાણી સામાજીક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતિ વિકાસ વિભાગની રાજ્યસ્તરીય તકેદારી અને મોનિટરીંગ સમિતીની બેઠકના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગણપતસિંહ વસાવા અને ઇશ્વરભાઇ પરમાર, પ્રદિપસિંહ જાડેજા તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અનૂસુચિત જાતિઓ, જનજાતિઓ, દલિત-આદિવાસી સમાજ પરના અત્યાચારોના કિસ્સામાં સરકાર કોઇને પણ છોડશે નહિ જ. આવા કિસ્સાઓમાં અત્યાચાર નિવારણ જ નહિ, છેવાડાના માનવીને ન્યાયમાં-સરકારમાં ભરોસો વિશ્વાસ રહે તેવું વાતાવરણ બને તે માટે આ સમિતિ ખાસ તકેદારી સાથે સુદ્રઢ આયોજન કરે તે પણ જરૂરી છે. અત્યાચારોના કિસ્સામાં દોષિતોને સખત સજા થાય અને પીડિતોને સાચો ન્યાય-સુરક્ષા મળે તે સરકારની પ્રતિબધ્ધતા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. નાયબ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતાએ પણ આ બેઠકની ચર્ચાઓમાં વિવિધ સૂઝાવ આપ્યા હતા.
 
વિજય રૂપાણીએ સામાજિક સમરસતાને વિકાસનો પાયો ગણાવતાં એમ પણ કહ્યું કે, રાજ્યમાં જે ૩ર ગામો, ર૦ મહોલ્લાઓમાં લાંબાગાળાથી પોલીસ રક્ષણ હેઠળ વ્યકિતઓ-પરિવારો રહે છે ત્યાં સામાજીક શાંતિ-સૌહાર્દ સદભાવ પ્રસ્થાપિત થાય અને સૌ પૂન: હળી મળીને રહેતા થાય તે માટે જિલ્લા કલેકટર, એસ.પી, જનપ્રતિનિધિ, સ્થાનિક અગ્રણીઓ સૌ સાથે મળીને સામાજિક ચળવળ-ઝૂંબેશ ચલાવે.
 
બેઠકની ચર્ચાઓ દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે અનૂસુચિત જાતિ-જનજાતિઓ જાતિઓ પરના અત્યાચારના બનાવોમાં સુધારેલ સહાયના ધોરણો જાહેર કર્યા છે. તદ્દઅનુસાર, અનુસૂચિત જાતિઓ પરના અત્યાચારના કિસ્સાઓમાં પાછલા ૧ વર્ષમાં રૂ. ૧૬ કરોડની સહાય ભોગ બનેલા વ્યકિતઓને ચુકવવામાં આવી છે. અનુસૂચિત જનજાતિઓના કિસ્સામાં રૂ. ૨ કરોડ ૮૪ લાખ સહાય અપાઇ છે.
 
રાજ્યમાં આવા અત્યાચારના કેસો માટે ૧૬ એકસલુઝીવ સ્પેશ્યલ કોર્ટની રચના કરવામાં આવી છે અને કેસોની સુનાવણી ઝડપી થાય, ગૂનેગારને ત્વરાએ સજા દંડ થાય અને પીડિતોને યોગ્ય ન્યાય મળે તે સરકારે સુનિશ્ચિત કર્યુ છે. એટલું જ નહિ, ૧૭ સ્પેશ્યલ કોર્ટ પણ જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ સામાજીક સમરસતા-સૌહાર્દ શાંતિ જળવાઇ રહે અને સમગ્ર રાજ્યનું વાતાવરણ વિકાસમય રહે તે માટે તાલુકા, જિલ્લા સ્તરે નિયમીત પણે સંબંધિત સૌ સાથે મળી બેઠકો યોજે તેવું પ્રેરક સૂચન કર્યુ હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર