ગુજરાતમાં મોનસૂન સક્રિય થઇ ગયું છે. આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર રવિવારે 14 જૂનથી સતત બે દિવસ સુધી નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર, તથા સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં આગામી 24 કલાકમાં નૈઋત્યનું ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઇ શકે છે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. વર્તમાન સ્થિતિ પ્રમાણે રવિવારથી દક્ષિણ ગુજરાતના નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના રાજકોટ-ભાવનગર-અમરેલી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે એકાએક મૂશળાધાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવનના લીધે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. ઠેર-ઠેર હોર્ડિંગ્સ ઉડી ગયા હતા. વરસાદના કારણે લોકો ગરમી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગત 24 કલાકમાં રાજ્યમાં કુલ 73 તાલુકામાં અડધાથી બે ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં આખો દિવસ વાદળછાયા વાતાવરણ બાદ મોડી રાત્રે ભારે પવન સાથે એકાએક વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંકડ પ્રસરી જવા પામી હતી. આગામી બે દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
નૈઋત્યના ચોમાસાની આ ગતિ યથાવત રહી તો આગામી ૨૫ જૂન સુધીમાં અમદાવાદમાં પણ ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થાય તેવી પૂરી સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘નૈઋત્યનું ચોમાસું મધ્ય અરેબિયન સમુદ્ર, મુંબઇ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગ, ઓડિશા-પશ્ચિમ બંગાળ, છત્તિસગઢના વધુ કેટલાક ભાગ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગ, દક્ષિણ મધ્ય પ્રદેશ, ઝારખંડ, બિહારમાં પહોંચે તેના માટે સાનૂકૂળ સ્થિતિ સર્જાઇ છે.