ગુજરાત જેટલી વસતી ધરાવતા અન્ય દેશોની સરખામણીએ પોઝિટિવ કેસોની સંખ્યા કાબૂમાં

સોમવાર, 27 એપ્રિલ 2020 (11:40 IST)
રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના સંક્રમણની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે સજ્જ છે. ગુજરાત જેટલી વસતી ધરાવતા ઈટાલી, સ્પેન અને ફ્રાંસ જેવા દેશોમાં જે પોઝિટિવ કેસો નોંધાયા છે તેની સરખામણીએ છેલ્લા ૩૫ દિવસમાં ગુજરાતમાં રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરિણામે પોઝિટિવ કેસો અંકુશ હેઠળ છે એમ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું.
 
ડોક્ટર રવિ એ નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકારે લીધેલા પગલાંઓની મીડિયાને વિગતો આપતા કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે જેના પરિણામે આ કેસોની સંખ્યા નિયંત્રણ હેઠળ છે. 
 
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને દરરોજ ઉચ્ચ અધિકારીઓની કોર કમિટિની બેઠક યોજાય છે જેમાં દરરોજની પરિસ્થિતિની સમીક્ષા કરીને આગામી આયોજન કરાય છે. આગામી સમયમાં પણ જો વિકટ પરિસ્થિતિ ઉદભવે તો તેવા તમામ સંજોગોમાં પહોંચી વળવા રાજ્ય સરકાર સુસજ્જ છે એટલે નાગરિકોએ બિલકુલ ગભરાવવાની જરૂર નથી. 
 
ડોક્ટર રવિએ ઉમેર્યું કે ઈટાલી, સ્પેન અને ફ્રાંસ જેવા દેશો કે જેની વસતી ગુજરાત જેટલી છે તેની સરખામણીએ જોઈએ તો છેલ્લા ૩૫ દિવસમાં ઇટાલીમાં ૮૦,૫૩૬, સ્પેનમાં ૯૪,૪૧૦, ફ્રાન્સમાં ૫૬,૯૭૨ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે જ્યારે ગુજરાતમાં ૩,૦૭૧ પોઝિટિવ કેસો નોંધાયા છે તે માત્ર ને માત્ર રાજ્ય સરકારની હકારાત્મક નીતિ અને પારદર્શિતાના પરિણામે છે. ડોક્ટર રવિ એ કહ્યું કે સંક્રમિત થયેલા દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે એ માટે રાજ્યની 150 ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 22,385 કોવિદની સુવિધા ધરાવતા બેડ ઉપલબ્ધ છે.
 
ડોક્ટર રવિએ ઉમેર્યું કે કોવિડ 19 ને લગતા ટેસ્ટિંગ માટે પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં એક જ લેબોરેટરી ઉપલબ્ધ હતી અને આજે સરકારી અને ખાનગી મળીને કુલ ૨૧ લેબોરેટરી કાર્યરત છે. એ જ રીતે પ્રથમ અઠવાડિયામાં 150 ટેસ્ટીંગની કેપેસિટી હતી. રાજ્ય સરકારને ટેસ્ટીંગની સુવિધા માટે વધુ  લેબોરેટરીની મંજૂરી ક્રમશઃ મળતા આ ટેસ્ટિંગ કેપેસિટી આજે આપણે પાંચમા અઠવાડિયામાં 3,770 સુધી પહોંચાડી શક્યા છીએ.
 
ડોક્ટર રવિએ ઉમેર્યુ હતું કે સંક્રમણથી ભોગ બનેલા 36,730 નાગરિકોને  કવૉરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં 32,119 લોકો હોમ કવૉરન્ટાઈન, 3,565 સરકારી કવૉરન્ટાઈન અને 246 લોકો ખાનગી કવૉરન્ટાઈન હેઠળ છે. 
 
તેમણે ઉમેર્યું હતું કે કોવિડ-૧૯ હેલ્પલાઇન નંબર 104 પર આજદિન સુધી 55,158 જેટલા કોલ આવ્યા છે  અને તેમના પ્રશ્નોનું નિરાકરણ સીનિયર ઓફિસર રાજેશ માથુરના સંચાલન હેઠળ કરવામાં આવી રહ્યું છે. તદુપરાંત હેલ્પલાઇન નંબર 1100 પર આજદિન સુધી 11,926 કોલ આવ્યા છે. મેન્ટલ હેલ્થના નિષ્ણાત ડોક્ટર અજય ચૌહાણના માર્ગદર્શન હેઠળ આઇસોલેશનમાં રહેલ નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કોવિડ સંક્રમિત વિસ્તારમાં જિલ્લા કક્ષાએ કોવિદ યોદ્ધા તરીકે કામ કરવા ઈચ્છુક નાગરિકો ડીડીઓ, કલેકટર તથા મ.ન.પા કમિશનરનો સંપર્ક કરી કોરોના વાયરસના સંક્રમણથી બચવા શું પગલાં લેવા તેની જાગૃતિ માટે પોતાનું યોગદાન આપી સ્વયંસેવકની ભૂમિકા ભજવી શકે છે.
 
રાજ્યમાં COVID-19  સામે લડતા  ફ્રંન્ટલાઈન વોરિયર્સ અને દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં દવા અને લોજિસ્ટિકનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં  અત્યાર સુધીમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીનની 2.34 કરોડથી વધુ દવાની ટીકડીઓનું વિતરણ  કરાયું છે જ્યારે હાલમાં  પૂરતા પ્રમાણમાં 33.77 લાખથી વધુ દવાની ટીકડીઓનો જથ્થો ઉપલબ્ધ છે. એ જ રીતે એજિથ્રોમાઈસિની 15.13 લાખથી વધુ દવાની ટીકડીઓનું વિતરણ કરાયું છે, જ્યારે  હાલમાં 37.48 લાખથી વધુ દવાની ટીકડીઓનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સુરક્ષિત એવા 4.41 લાખથી વધુ N-95 માસ્કનું વિતરણ કરાયું છે જ્યારે હાલમાં રાજ્યમાં જરૂરિયાત પ્રમાણે 4.57 લાખથી વધુ માસ્કનો જથ્થો ઉપલબ્ધ છે.
 
આ જ રીતે કોરોનાના સંક્રમિત લોકોની સારવાર કરતા યોદ્ધાઓ માટે સૌથી અગત્યની એવી 92 હજારથી વધુ PPE  કિટનું અત્યાર સુધીમાં વિતરણ કરાયું છે જ્યારે હાલમાં 1 લાખથી વધુ  કિટનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં રાજ્યમાં 86.23 લાખથી વધુ થ્રી લેયર માસ્ક વિતરણ કરાયું છે. જ્યારે હાલમાં 49.17 લાખથી વધુ માસ્કનો જથ્થો ઉપલબ્ધ છે.
 
તેમણે કહ્યું હતું કે રાજ્યના લોકોમાં  રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુષ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આયુર્વેદ ઉકાળાનો અત્યાર સુધીમાં 1.25 કરોડથી વધુ લોકોએ  લાભ લીધો છે. આ ઉપરાંત 3.73 લાખથી વધુ લોકોને સનશમનિવટી ટીકડીઓનો લાભ લીધો છે. જ્યારે 85.73 લાખ લોકોએ એરસેનિકમ આલ્બમ -30 પોટેન્સી  હોમિયોપેથી દવાનો લાભ લીધો છે. 
 
તારીખ 10 એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં કવૉરન્ટાઈન સેન્ટરમાં રખાયેલા 51,432 લોકોએ આયુષ મેડિસિન,31,691 લોકોએ આયુર્વેદિક મેડિસિન તેમજ 19,741 લોકોએ હોમિયોપેથીક દવાઓનો લાભ લીધો છે. આ કવૉરન્ટાઈન સેન્ટરમાંથી જેમને ત્રણ દિવસ કે તેનાથી  ઓછા દિવસ માટે આ દવા લીધી હોય તેવા માત્ર 16 લોકો જ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર