બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહી સાથે ચેડાં કરનારને પાંચ વર્ષ કેદની સજા
ગુરુવાર, 5 માર્ચ 2020 (11:28 IST)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાનો ગુરૂવારના રોજથી પ્રારંભ થનાર છે ત્યારે આ પરીક્ષા પારદર્શીય રીતે યોજાય અને કોઈ ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ અને નિરીક્ષકો સામે કડક પગલાં લેવામાં આવનાર છે. શિક્ષણ બોર્ડના નિર્દેશ અનુસાર બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહી અને પરીક્ષાના દસ્તાવેજોમાં ચેડાં કરનાર દોષિતોને પાંચ વર્ષની કેદ અથવા રૂા.૨ લાખ સુધીના દંડની જોગવાઈ તેમજ બંને શિક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને લઈને આણંદ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે ફરજ બજાવતા નિરીક્ષકોને જે-તે પરીક્ષા બ્લોકમાં કોઈ ગેરરીતિ ન થાય તથા ગેરરીતિ કરવામાં પોતે મદદરૂપ ન થવા શિક્ષણ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે. પરીક્ષા ખંડમાં મોબાઈલ, સ્માર્ટ વોચ, કેમેરાવાળુ કેલ્ક્યુલેટર, સાયન્ટીફીક કેલ્ક્યુલેટર સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કોઈ પરીક્ષાર્થી પાસે આવા પ્રતિબંધિત ઈલેક્ટ્રોનીક ઉપકરણો મળી આવે તો ખંડ નિરીક્ષકે જપ્ત કરીને સ્થળ સંચાલકને સોંપવાના રહેશે. પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી પાસેથી પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવશે તો જે-તે પરીક્ષાર્થી વિરૂધ્ધ પોલીસ કેસ નોંધવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. પરીક્ષા દરમ્યાન પરીક્ષા ખંડમાંથી લખેલી કે કોરી ઉત્તરવહી ચોરાઈ જશે તો સ્થળ સંચાલકે પોલીસ કેસ નોંધાવવાનો રહેશે. ચાલુ પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થીને ખંડમાંથી બહાર જવા દેવામાં આવશે નહી. સાથે સાથે મોબાઈલ એપ દ્વારા પ્રશ્નપત્રોનું ટ્રેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા દરમ્યાન કોઈપણ પરીક્ષા કેન્દ્ર ખાતે ગેરરીતિ જણાશે તો શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.