રાજસ્થાન ઉપર અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં તમામ 32 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સોનગઢ 8, પારડીમાં 7 ખેરગામમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સાથે માંગરોળ, ધરમપુર, કામરેજ, બારડોલીમાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં એકંદરે ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. માંડવી તાલુકામાંથી પસાર થતી વાવ્યા ખાડી પર બૌધાન મુંજલાવ ગામને જોડતો લો લેવલ પુલ છે. બે દિવસથી વરસાદથી ઘણી ખાડી કોતરો છલકાય ઉઠ્યા છે. ત્યારે વાવ્યા ખાડીનો લો લેવલ પુલ પર પાણી ફરી વળતાં બૌધાન મુંજલાવ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. સ્થિતિની જાણ થતાં જ પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકર તથા મામલતદાર રાજુભાઈ ચૌધરી, મુજલાવ- બૌધાનના સરપંચ તથા તલાટીને લઈ સ્થળ પર પહોંચી ગયા હતા અને પુલ પરથી પસાર થતાં પ્રવાહમાંથી કોઈ અવર જવર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.રાજકોટ જિલ્લાના ગોંડલમાં ધોધમાર 4 ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે જ ભારે વરસાદના પગલે ઉમવાડા અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉમવાડા અંડર બ્રિજમાં ST બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી. જીવના જોખમે ગળાડૂબ પાણીમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. પાણીમાં ફસાયેલા લોકો સામાન લઈને પાણીમાંથી બહાર નીકળ્યા હતા. આટકોટમાં આજે ધોધમાર વરસાદથી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.