ગાંધીનગર-મેદરા રેલવે ટ્રેક પર 70 બકરાં પર ટ્રેન ફરી વળી, પશુપાલકો પર આભ ફાટ્યું, ત્રણ પશુપાલકોની અટકાયત
train derailed on 70 goats
રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ઘણી વખત ટ્રેનની અડફેટે પશુઓના મોત થતાં હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે ગાંધીનગરના મેદરા નર્મદા કેનાલ પાસેથી પસાર થતાં રેલવે ટ્રેક પરથી હિંમતનગરથી અમદાવાદ આવતી ગુડ્સ ટ્રેનની અડફેટે આવતાં 70 જેટલા બકરાં મોતને ભેટ્યાં છે. આ ઘટનાને લઈને પશુપાલકો પર આભ ફાટી પડ્યું છે. આ બનાવના પગલે હિંમતનગર રેલવે પોલીસ દ્વારા ત્રણ પશુપાલકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
અમદાવાદ તરફ જતી ગુડ્સ ટ્રેન આવી પહોંચી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરના મેદરા નર્મદા કેનાલ પાસેના રેલવે ટ્રેક ઉપર માલગાડીની અડફેટે 70 જેટલાં બકરાંનાં મોત થયા છે. ગઈકાલે ત્રણ પશુપાલકો બપોરના સમયે બકરાંને રેલવે ટ્રેક ઉપર ચરાવવા માટે લઈને નીકળ્યા હતા. એ અરસામાં હિંમતનગરથી અમદાવાદ તરફ જતી ગુડ્સ ટ્રેન આવી પહોંચી હતી. અને એક પછી એક 70 જેટલાં બકરાંને અડફેટે લઈને સડસડાટ પસાર થઈ હતી. ત્યારે એક સાથે 70 જેટલાં બકરાં એક પછી એક મોતને ભેટ્યાં હતાં.
બકરાં લઈને નીકળેલા પશુપાલકોની અટકાયત
બીજી તરફ આંખના પલકારામાં ઘટેલી દુર્ઘટનાના પગલે પશુપાલકો સહિતનાં પરિવારોજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. એક સાથે બકરાં માલગાડીની અડફેટે મોતને ભેટતાં ત્રણેય પશુપાલકો સહિતનાં પરિવારજનો ચોધાર આસુંએ પોક મૂકીને રડવા લાગ્યાં હતાં. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં હિંમતનગર રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. રેલવેનાના નિયમ મુજબ રેલવે ટ્રેક ઉપર બકરાં લઈને નીકળેલા પશુપાલકોને અટકાયતમાં લઈ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.