વિદ્યાના ધામમાં નશાની ખેતી - થોડા સમય અગાઉ રાજકોટની મારવાડી યુનિવર્સિટી બિલ્ડીંગ બોયઝ હોસ્ટેલની પાછળની દીવાલે આવેલા બગીચા પાસે કરણના ઝાડ વાવેલા છે તેની આજુબાજુ લીલા વનસ્પતિ જન્ય છોડવાનો ઢગલો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે ઘટના સ્થળ પરથી 23 જેટલા ગાંજાના છોડ કબજે કર્યા હતા.પરંતુ હવે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીમાંથી NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ ગાંજાનો છોડ પકડ્યો છે. યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાની ખેતી થતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાં ગાંજાના બે અલગ અલગ છોડ મળી આવ્યા છે. જેમાં એક 6.5 ફૂટનો છે જ્યારે બીજો 5.5 ફૂટનો છોડ છે. પરંતુ NSUI દ્વારા એક નહીં અનેક છોડ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.