ફાર્મસીટીકલ કંપનીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, આ રીતે વડોદરાની કંપનીના ખંખેર્યા ખિસ્સા

શનિવાર, 22 ફેબ્રુઆરી 2020 (10:37 IST)
ફાર્મસીટીકલ કંપનીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરા પોલીસે એક એવા વેપારીની ધરપકડ કરી છે કે જેના કારણે અનેક ફાર્મસીટીકલ કંપનીના સંચાલકોને રડવાનો વારો આવ્યો છે. વડોદરાના અકોટામાં ફ્યુચર લાઈફ ફાર્મા નામથી કંપની ચલાવતા હાર્દિકસિંહ ડોડીયા મોટી ફાર્મસીટીકલ કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાની દવાની ખરીદી કરી હતી. 
 
ઠગ વેપારી હાર્દિકએ હરિયાણાના પંચકુલામાં આવેલ પેઠોકેમ હેલ્થ કેર ફાર્મસીટીકલ કંપની પાસેથી અંદાજિત એક કરોડની દવાની ખરીદી કરી હતી. જેની સામે આરોપી હાર્દિકે ફરિયાદી નિરંજન શર્માને પોસ્ટ ડેટેડ ચેકો આપ્યા હતા. ચેક આપ્યા બાદ આરોપી હાર્દિકે બેંકમાંથી ચેકોનું સ્ટોપ પેમેન્ટ કરાવી ફરિયાદીને રૂપિયા ન ચૂકવી છેતરપિંડી આચરી હતી. જેથી ફરિયાદી નિરંજન શર્માએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. 
 
આરોપી હાર્દિકની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી સૌપ્રથમ ફાર્મસીટીકલ કંપની પાસેથી થોડોક માલ ખરીદી તેનું પેમેન્ટ કરી દઈ કંપનીને વિશ્વાસમાં લઈ લેતો હતો. બાદમાં મોટા જથ્થામાં માલ ખરીદી નાણાંની ચુકવણી ન કરી છેતરપિંડી આચરે છે. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે આરોપી હાર્દિક ડોડીયાની ધરપકડ કરી કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
 
મહત્વની વાત છે કે પોલીસે હાર્દિકના ગોડાઉનમાંથી મોટા જથ્થામાં દવાનો માલ પણ જપ્ત કર્યો છે. આરોપી હાર્દિકે પોલીસ પૂછપરછમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની પણ કબુલાત કરી છે. ત્યારે પોલીસ આરોપી હાર્દિકના ભોગ બનનારા લોકોને પોલીસ પાસે આપી ફરિયાદ આપવા અપીલ કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર