ઈ-મેમોએ પતિની પ્રેમલીલા પકડતાં પત્ની પોલીસ સ્ટેશનમાં પહોંચી

બુધવાર, 12 જુલાઈ 2017 (14:09 IST)
શહેરના મોટાભાગના ચાર રસ્તા પર કેમેરા લાગી જતાં અમદાવાદીઓને ટ્રાફિક સિગ્નલ પર  સાવધ રહેવાની ફરજ પડી રહી છે. અત્યાર સુધી ઘેર આવતા ઈ-મેમોના કારણે કેટલાક પતિઓની પ્રેમલીલાનો ભાંડો ફુટ્યો હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો હાલના દિવસોમાં ચર્ચાસ્પદ બન્યો છે.



 

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક મહિલા પતિના નામે આવેલા બે ઈ-મેમો લઈને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસને પહેલા તો એમ થયું કે બેન દંડની રકમ ભરવા આવ્યા હશે, પરંતુ અધિકારી સામે ઈચલણ ધરી મહિલાએ જે સવાલ પૂછ્યો તે સાંભળી પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ હતી.પોતાના 18 વર્ષના દીકરા સાથે પોલીસ સ્ટેશન આવેલી આ મહિલાએ ઈમેમો બતાવી પોલીસને પૂછ્યું હતું કે, મારા પતિની બુલેટ પાછળ દુપટ્ટો બાંધીને બેઠેલી આ મહિલા કોણ છે તે મારે જાણવું છે..

મહિલાનો સવાલ સાંભળી પોલીસ અધિકારી પણ ચોંકી ગયા હતા. શરુઆતમાં તો તેમણે તમારા કોઈ સંબંધી હશે તેમ કહી મહિલાને શાંત પાડવા પણ પ્રયાસ કર્યો હતો. જોકે, જે વિસ્તારના આ ઈમેમો હતા ત્યાં તેમના કોઈ સંબંધી રહેતા ન હોવાનો મહિલાએ દાવો કરતાં પોલીસ પણ મૂંઝાઈ હતી.મહિલાએ પોલીસને એમ પણ કહ્યું હતું કે, આવો પહેલો મેમો ઘરે આવ્યો ત્યારે પતિને તેમણે આ અંગે પૂછતા પતિએ કહ્યું હતું કે, આ મહિલા ઓફિસમાં મારી સાથે કામ કરે છે, અને તેમની પાસે વાહન ન હોવાથી તેઓ મારી પાછળ બેઠા હતા. જોકે, આવો જ બીજો મેમો આવતા, અને તેમાં પણ એ જ મહિલા દેખાતા પત્નીના મનમાં શંકાનો કીડો સળવળ્યો હતો, અને તે મેમો લઈ સીધી જ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. પોલીસે મહિલાની અરજી લઈને તપાસ શરુ કરી છે.
 
 
 

વેબદુનિયા પર વાંચો