દાહોદની સરકારી હોસ્પિટલનાં ડોક્ટર,સહિતના 15 કર્મીઓ ડેન્ગ્યૂની ચપેટમાં, તંત્ર દોડતું થયું

રીઝનલ ડેસ્ક

શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (13:20 IST)
દાહોદ : ચોમાસાની મોસમમાં વરસાદ બાદ ભેજયુક્ત વાતાવરણમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. ત્યારે સામાન્ય જનતા તો બીમારીની ચપેટમાં આવી ગઇ છે તેની સાથે દાહોદની સરકારી ઝાઇડસ હોસ્પિટલનાં 15 કર્મચારીઓને પણ ડેન્ગ્યૂ થયો છે. આ હોસ્પિટલનાં 3 તબીબ, 3 નર્સ, 2 ટેક્નિશિયન, 03 સુરક્ષા કર્મી તથા અન્ય 4 કર્મીઓ ડેન્ગ્યૂની ચપેટમાં આવ્યાં છે.
 
 
દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં નવા બિલ્ડીંગોનું કન્ટ્રક્શન ચાલી રહ્યું છે. અહીં ભરાયેલા વરસાદી પાણીમાં ડેન્ગ્યુના લારવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલાં આરોગ્ય વિભાગની તપાસમાં ઘણી જગ્યાએથી લારવા મળતાં હોસ્પિટલ અને કન્ટ્રક્શન સાઇટના સુપરવાઇઝરને નોટિસ આપવામાં આવી હતી. જે બાદ ત્યાં ફોગીંગ સહિતની કામગીરી કરી હતી. હોસ્પિટલ પરિસરમાં લારવા ડેન્ગ્યુનો રોગ ફેલાવતા મચ્છરોમાં પરિવર્તિત થઇ જતાં તે કર્મચારીઓને જ નિશાન બનાવી રહ્યા છે. તેથી કર્મચારીઓ જ બીમારીનો ભોગ બન્યા છે. હાલમાં 21 કર્મીઓ બીમાર હોવાની માહિતી મળી છે તેમાંથી તબીબ સહિતના 15 કર્મીઓને તો ડેન્ગ્યુ થયાનું જાણવા મળ્યું છે.
 
 
ઝાયડસમાં હોસ્પિટલમાં એક દિવસની 1400ની ઓપીડી નોંધાઇ રહી છે અને દવાખાનામાં 400 દર્દી દાખલ છે. ઝાયડસ હોસ્પિટલની બહારના વિસ્તારમાં પાસે ખુલ્લામાં અનેક ગટરો છે જેમાં થોડા દિવસથી કચરો નાંખવાને કારણે સ્વચ્છતા દેખાતી નથી. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ બેફામ વધ્યો હોવા છતાંય તંત્ર દ્વારા આ દિશામાં કોઈ પગલાં નહીં ભરતા હોવાની લોકો જણાવી રહ્યાં છે. ત્યારે હોસ્પિટલ પાસે જ આટલી ગંદકી જોવા મળી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર