શીર્ષક વાંચીને ચોકી જવાની જરૂર નથી ! કોરોના વાયરસ સામે લોકોમાં હજુ વધારે જાગૃતિ આવે એ માટે થઇને દાહોદ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને તેના ભાગ રૂપે કોરોનાના પ્રતીકાત્મક યમદૂતને ફેરવવામાં આવી રહ્યો છે ! તેની સાથે રહેલા રંગલારંગલી નાટ્યાત્મક રીતે નાગરિકોને કોરોના વાયરસ સામે સાવચેતી રાખવા સમજાવે છે.
જિલ્લા મેલેરિયા અધિકારી ડો. અતીત ડામોરે માહિતી આપતા જણાવ્યું કે, એક ટ્રોલીમાં કોરોના વાયરસના યમદૂતનું પાત્ર ભજવવામાં આવી રહ્યું છે. લોકોનું સહજ રીતે ધ્યાન ખેંચી શકાય એ રીતે આ યમદૂતનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાં રંગલા રંગલીની નાટિકા પણ કરવામાં આવી રહી છે.
કોરોના વાયરસના યમદૂત સાથે રંગલા રંગલી દ્વારા નાટિકા રજૂ કરવામાં આવે છે. જેમાં હાસ્યરસ સાથે ભયરસને પણ ઉમેરવામાં આવ્યો છે. યમદૂત લોકોને કોરોના વાયરસ સામે સેનિટાઇઝેશન, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા માટે નાટ્યાત્મક રીતે સમજાવી રહ્યો છે.