લગ્નના છ માસમાં પતિના ત્રાસથી પત્નીની આત્મહત્યા; પતિ, સાસુ, સસરા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી

રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (09:50 IST)
ઘોડાસરમાં રહેતી પરિણીતાએ લગ્નના છ મહિનામાં જ ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. આ મામલે તેની માતાએ તેમના જમાઈ, વેવાઈ, વેવાણ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કલોલની વર્ધમાન નગર સોસાયટીમાં રહેતા કોકીલાબેન ગિરીશભાઈ પરમારની દીકરી યોગિતાના લગ્ન અમદાવાદના ઘોડાસરની મોનાપાર્ક સોસાયટીમાં રહેતા તેજસ ચંદ્રકાંતભાઈ વાઘેલાની સાથે છ મહિના પહેલા થયાં હતાં. તેજસ એરપોર્ટ પર ખાનગી એરલાઈન્સમાં નોકરી કરે છે. પોલીસ ફરિયાદ અનુસાર યોગિતાને લગ્નના થોડા સમય સુધી સારી રીતે રાખી હતી. ત્યાર બાદ તેના પતિ અને સાસુ સસરા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેને લઈને કંટાળેલી યોગિતાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, જેની જાણ થતા તેના પિયરપક્ષના લોકો દોડી આવ્યા હતા. યોગિતાને એલ.જી. હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેના પરિવારજનોએ હોબાળો મચાવી તેમની દિકરી પતિ અને સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાનો આક્ષેપ કરી તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માગણી કરી હતી. અંતે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં મરનારની માતા કોકિલાબેન પરમારે યોગિતાના પતિ તેજસ તેના પિતા ચંદ્રકાંતભાઈ વાધેલા અને માતા ચંદ્રિકાબેને વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર યોગિતાને લગ્નના છ મહિનામાં જે તેનો પતિ પિયરમાંથી દહેજ લઈ આવવા બાબતે માનસિક ત્રાસ આપતો હતો તેમ જ યોગિતાના સાસુ સસરા નાની નાની વાતોમાં ઠપકો આપીને પરેશાન કરતા હતા, જેનાથી કંટાળીને યોગિતાએ આત્મહત્યા કરી
લીધી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર