સુરતમાં 58માંથી 3 ક્લસ્ટર રદ કરતાં 4 લાખ લોકો ક્લસ્ટરમાંથી મુક્ત થયા

શુક્રવાર, 29 મે 2020 (14:16 IST)
શહેરના 58 વિસ્તારોમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધુ જણાતા તે વિસ્તારને વિવિધ જાહેરનામાં પ્રસિદ્ધ કરી ક્લસ્ટર જાહેર કરાયા હતાં. આ ક્લસ્ટર વિસ્તારોમાં 28 દિવસ સુધી કેસ નહી નોંધાયા હોય તેવા વિસ્તારોના ક્લસ્ટરમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. તમામ ઝોનમાં એવા ક્લસ્ટર વિસ્તારોમાં નાના મોટા ફેરફાર કરાયા છે. જેમાં અઠવા અને રાંદેર ઝોનના ત્રણ ક્લસ્ટરને સંપૂર્ણ દૂર કરી દેવાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનને બાદ કરતા મોટાભાગના ક્લસ્ટરને નાના કરી દેવાયા છે. પાલિકાની ક્લસ્ટર રિકન્સ્ટ્રક્શનની કામગીરીના કારણે ચાર લાખથી વધુ લોકો ક્લસ્ટરમાંથી મુક્ત કરી દેવાયા છે.મેયર, ડે.મેયર, સ્થાયી ચેરમેન, અન્ય પદાધીકારીઓ, કમિશનર અને અધિકારી સાથે ચર્ચા વિચારણા થઈ હતી. અને જે વિસ્તારમાં છેલ્લા 28 દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નહીં હોય તેવા વિસ્તારને કલસ્ટરમાંથી મુક્તિ આપી રેડ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જે મુજબ સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલી ટેક્ષટાઈલ માર્કેટ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મહીધરપુરા હીરા બજાર વિસ્તારને ક્લસ્ટરમાંથી મુક્ત કરવામાં આવી છે. પરંતુ આ વિસ્તારના તમામ વેપારીઓ તથા અન્ય લોકોએ કોવિડ-19 ની ગાઈડ લાઈનનો સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. અન્ય ઝોનમાં પણ ઉપર મુજબ જે વિસ્તારમાં છેલ્લા 28 દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હોય તેવા વિસ્તારમાં કલસ્ટરમાં ફેરફાર કરી રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ હવે પછી પણ શહેરના આ વિસ્તાર કે અન્ય કોઈપણ નવા વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાશે તો તે વિસ્તારને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવશે.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર