ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા રેમડીસીઆર ઇન્જેક્શનના ભાવ રૂપિયા 1700 નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ, કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા આ ઇંજેકશન કાળા બજારમાં રૂપિયા 5500માં વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરામાં હાલ, કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાની સારવાર માટે રામબાણ ગણાતા રેમડીસીઆર ઇન્જેક્શનોની અછત વચ્ચે હવે તેની કાળાબજારની આશંકા સેવાઇ રહી છે. હાલ આ ઇન્જેક્શનોની માંગ સામે પુરવઠો ઓછો છે. મુખ્ય ડીલર પાસે જ આ જથ્થો હોય, કેમિસ્ટની દુકાનો ઉપર આ ઇન્જેક્શન મળી રહ્યા નથી. ત્યારે આ દિશામાં તંત્ર તપાસ કરે તેવી લોકમાંગ ઉઠી છે.
દવાના વેપારી સંજયભાઇએ જણાવ્યું હતું કે, વડોદરામાં રેમડીસીઆર મેડિકલ સ્ટોરમાં મળી રહ્યા નથી. ઇન્જેક્શનોનો સ્ટોક છે. પરંતુ કુત્રિમ અછત ઉભી કરીને એમ.આર.પી. પ્રમાણે ભાવ વસુલવામાં આવી રહ્યા છે. વડોદરામાં કોરોનાના કેસોમા સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના સામે રાહત આપતાં રેમડીસીઆર ઇન્જેક્શન લોકોને સરકારે નક્કી કરેલા ભાવ મુજબ મળી રહે તે માટે તંત્રએ કાર્યવાહી કરવાની જરૂર છે.