બનાસકાંઠામાં દારૂ પ્રકરણને લઈને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વિવાદમાં આવ્યા હતાં. પોલીસે તેમના ભાઈને દારૂ સાથે અને પીધેલી હાલતમાં પકડીને કાર્યવાહી કરી હતી. ત્યારે ગેનીબેને બનાસકાંઠા SP, DySP, કોન્સ્ટેબલ અને ભાભર શહેર ભાજપ પ્રમુખને વકીલ મારફતે નોટિસ ફટકારી છે. જેમાં ગેનીબેન ઠાકોરે પોલીસ અધિકારી સહિત ભાજપ પ્રમુખને માફી માંગવા કહ્યું છે. 10 પાનાની નોટિસમાં જુદા-જુદા 13 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્રણ દિવસમાં નોટિસનો જવાબ આપો નહીં તો 5 કરોડનો માનહાનિનો દાવો કરશે તેવો ઉલ્લેખ કરાયો છે.
30 હજારનું વળતર ચૂકવવાનો નોટિસમાં ઉલ્લેખ
તાજેતરમાં ધારાસભ્ય ગેનીબેનના ભાઈ રમેશ ઠાકોર દારૂ પીધેલી હાલતમાં બે બોટલો સાથે પોલીસના હાથે ઝડપાયા હતાં. આ ઘટના બાદ ગેનીબેને વકીલ મારફતે બનાસકાંઠા SP, DySP, કોન્સ્ટેબલ અને ભાભર શહેર ભાજપ પ્રમુખને વકીલ મારફતે નોટિસ ફટકારી છે.આ નોટિસમાં જુદા-જુદા 13 મુદ્દાનો ઉલ્લેખ કરીને ફરિયાદમાં ગેનીબેના ભાઈ તરીકેનો ઉલ્લેખ ન હોવા છતાં આ તમામે મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં વાવ MLA ગેનીબેન ઠાકોરના ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી હોવાનો દાવો કરાયો છે. તેમણે આ તમામ લોકોને માફી માંગવા કહ્યું છે અને નહીં માંગે તો દરેક સામે વળતર રૂપે પાંચ કરોડનો માનહાનીનો દાવો કરવાનો ઉલ્લેખ કર્યો છે. આ નોટિસ મળ્યાના 30 દિવસમાં માંફી માંગી 30 હજારનું વળતર ચૂકવવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.ગેનીબેને નોટિસમાં પોતાની રાજકિય કારકિર્દીને નુકસાન થયાનો પણ ઉલ્લેખ કરાયો છે.