સ્કૂલનાં 100 બાળક એકસાથે બીમાર પડવાની ઘટના
ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાંટ એકલવ્ય મોડલ સ્કૂલનાં 100 બાળક એકસાથે બીમાર પડવાની ઘટના ઘટી હતી, જેમાં મોટા ભાગના બાળકોને તાવ અને માથાના દુખાવાની ફરિયાદ કરી હતી. એને લઇને તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક પુનિયાવાંટ એકલવ્ય સ્કૂલનાં બાળકોની તપાસ ચાલુ કરી દીધી હતી. જેમાંથી 46 બાળકોને તેજગઢ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, જ્યારે 44 બાળકને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે અને પાવી જેતપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
બાળકોએ સવારમાં બટાટાં-પૌંઆનો નાસ્તો કર્યો હતો
ગુજરાત સરકાર દ્વારા અને જિલ્લા તંત્ર દ્વારા એકસાથે 100 બાળક કયા કારણથી બીમાર પડ્યા એ જાણવા માટે એકલવ્ય મોડલ સ્કૂલનાં 325 બાળકનું સ્ક્રીનિંગ કર્યું હતું. વધુ તપાસ કરવા માટે વડોદરા સયાજી હોસ્પિટલના 4 એમડી ડોક્ટર તેમજ 5 પીડિયાટ્રિશિયન કુલ 9 ડોક્ટરની ટીમ છોટાઉદેપુર તેમજ તેજગઢ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે, જેઓ હોસ્પિટલમાં દાખલ કરેલાં બાળકો તેમજ હોસ્ટેલમાં રહેલાં બાળકોની તપાસ કરશે. બાળકો સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે બાળકોએ સવારમાં બટાટાં-પૌંઆનો નાસ્તો કર્યો હતો તો રાત્રે સેવ-ટામેટાંનું શાક ખાધું હતું.
તાવ આવતાં બધાનું સ્ક્રીનિંગ શરૂ કરી દીધું હતું
આ ઘટનાને લઈને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત લઈને મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સવારમાં થોડાં બાળકોએ પ્રાથમિક કમ્પ્લેઇન કરી હતી. બપોરે આ બાળકોને થોડો તાવ આવતાં બધાનું સ્ક્રીનિંગ શરૂ કરી દીધું હતું. આરોગ્યની અલગ અલગ ટીમો બનાવીને પાંચ ટીમ મારફત સ્ક્રીનિંગ કરાયું હતું. 327 બાળક જે હોસ્ટેલમાં રહે છે એનું સ્ક્રીનિંગ કરતાં એમાંથી જે બાળકોને તાવનાં લક્ષણો વધારે છે તમામને પ્રાથમિક રીતે સ્ક્રીનિંગ કરીને આવશ્યક લાગે તેમને પ્રિવેન્ટિવ મિકેનિઝમ તરીકે તેજગઢ સી.એચ.સી. અને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ કરાયા છે.