ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા 20મી સદીમાં પણ જીવે છે

ગુરુવાર, 20 ઑક્ટોબર 2016 (15:07 IST)
ઝવેરચંદ મેઘાણીની કવિતા 'ચારણ કન્યા' વિશે તો તમે જાણતા જ હશો, જેમાં ગીર જંગલની 14 વર્ષની છોકરી માત્ર એક લાકડી અને નીડરતાની મદદથી પોતાના વાછરડાને સિંહથી બચાવે છે. આ લોકગીતની રિયલ લાઈફ સ્ટોરી સામે આવી છે. 9 ઓક્ટોબરના રોજ 20મી સદીની ચારણકન્યાઓ, એટલે કે બે બહેનોએ ગિરના જંગલમાં પોતાની ગાયોને સિંહના હુમલાથી બચાવીને ખરા અર્થમાં ગૌ-રક્ષાનું ઉદાહરણ પુરું પાડ્યુ છે. સંતોક રબારી(19) અને તેની નાની બહેન મૈયા(18) અમરેલી જિલ્લાના તુલસીશ્યામ નજીક ગીર અભયારણ્યના એક નાનકડા ગામ મેંધાવાસમાં રહે છે. આ અભયારણ્ય માત્ર એશિયન સિંહનું રહેઠાણ છે. દસ વર્ષ પહેલા, તેમના પિતા જેહાભાઈને પેરાલિટીક સ્ટ્રોક થવાને કારણે ઢોર-ઢાંખરને જંગલમાં ચરાવવા જવાનું કામ આ બે બહેનો જ કરે છે. ગાય કલ્યાણ અને વોટર કન્ઝર્વેશન માટે કામ કરતા NGO 'જલ ક્રાંતિ'ના ફાઉન્ડર મનસુખ સુવજ્ઞાએ કહ્યું કે, જ્યારે સિંહ તેમની સામે આવ્યો, સંતોક અને મૈયા ગાયો અને સિંહની વચ્ચે ઉભી રહી ગઈ. તેમના હાથમાં લાકડી હતી અને તે નીડરતાથી સિંહની આંખોમાં તાકી રહી. જ્યારે સિંહ પાછળ ખસ્યો તો આ બન્ને બહેનો સિંહ તરફ આગળ વધી, અને સિંહ ભાગી ગયો. મનસુખને આ છોકરીઓની બહાદુરી વિશે સ્થાનિક રહેવાસીઓ પાસેથી જાણવા મળ્યું. તે કહે છે કે, જ્યારે આ છોકરીઓ જંગલમાં ગાય ચરાવવા જતી હતી, ત્યારે અમે પાંચ દિવસ સુધી તેમની સાથે ગયા. અમે જોયું કે તેમની બોડિ લેન્ગ્વેજ ખુબ જ કોન્ફિડન્ટ હતી. સલવાર-કમીઝ પહેરેલી અને ગંભીર સંતોકનું કહેવું છે કે, જો તમે સિંહને પીઠ બતાવશો તો તે હુમલો કરશે. જો તમે તેની સામે ઉભા રહેશો, તો તે તમને એકલા મુકી દેશે અને જતા રહેશે. લિલિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી.એ.વિઠલાની કહે છે કે, સંતોકે સિંહને ભગાવ્યા હોય એવી પાંચ ઘટનાઓ તો મેં પોતે નોધી છે. જલ ક્રાંતિ NGOએ બહાદુરી માટે આ બહેનોનું સોમવારના રોજ સન્માન કર્યુ હતુ.  

વેબદુનિયા પર વાંચો