મહાનગર પાલિકાના ઓછા મતદાનથી ભાજપને ટેન્શન, ગામડાઓમાં વધુ મતદાન અને વધુ બેઠક મેળવવા રાતોરાત ભાજપે સ્ટ્રેટેજી બદલી

સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (13:52 IST)
પેજ પ્રમુખની ફોર્મ્યુલાને વધુ મજબૂત બનાવવા માટે સાંસદો અને ધારાસભ્યોને સુક્ષ્મ જવાબદારીઓ સોંપી દેવામા આવી   
31 જિલ્લા પંચાયતમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ભાજપ માટે સૌથી વધુ પડકારજનક
 
ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ બાદ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન કરાવવાની સત્તાધારી પક્ષની ફોર્મ્યુલા મહાનગરપાલિકાના કંગાળ મતદાને ઉંધી પાડી દીધી હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને મહાનગર પાલિકાના પરિણામો સત્તાધારી પક્ષની વિપરિત આવે તો તેની સીધી અસર જિલ્લા અને તાલુકા પંચાયતના મતદાન પર પડી શકે તેવી દહેશતને ધ્યાનમાં રાખીને ભાજપે ગઈ કાલ રાતથી સ્ટ્રેટેજી બદલી જિલ્લા-તાલુકા પંચાયતમાં વધુમાં વધુ મતદાન અને વધુ બેઠકો મેળવવા માટેનું ચિંતન શરુ કરી દીધું છે. જેમાં મહાનગર પાલિકામાં પાટીલની ફેલ ગયેલી પેજ પ્રમુખની ફોર્મ્યુલાને વધુ મજબૂત બનાવવા માટે પ્રદેશ નેતાઓથી માંડીને ધારાસભ્યો, સાંસદો અને આગેવાનોને પેજ સમિતિઓ સુધીની સુક્ષ્મ જવાબદારીઓ સોંપી દેવામા આવી છે. 
 
ભાજપ નવી નીતિ અને ફોર્મ્યુલા પ્રમાણે પ્રચાર અને મતદાન કરાવી શકે
 
6 મહાનગર પાલિકાના ઓછા મતદાનને કારણે ભાજપનો જીતનો ટાર્ગેટ ખોટો પડી શકે તેવી શક્યતાઓની સાથે જો મહાનગર પાલિકામાં ભાજપને પરાજયનો સામનો કરવો પડે અથવા તો બેઠકો ઘટે તો ગામડામાં તેની અવળી અસર પડી શકે. પરિણામે ભાજપે ગઈકાલ રાતથી ગામડાના મતદારોને રીઝવવા માટે તથા વધુ મતદાન કરાવવા માટે પ્રદેશ કક્ષાથી માંડીને સ્થાનિક લેવલ સુધીની બેઠકોનો દોર શરુ કરી દીધો છે. સામાન્ય રીતે શહેરી મતદારો ભાજપની તરફેણમાં હોવાનું એક અનુમાન રહ્યું છે. જ્યારે ગામડાનો ખેડૂત મતદાર 2015ની ચૂંટણીમાં ભાજપથી વિમુખ થયેલો હતો. તેથી મહાનગર પાલિકાના મતદાન અને પરિણામો પર મીટ માંડીને બેઠેલા ભાજપના નેતાઓ તાત્કાલિક અસરથી નવી નીતિ અને ફોર્મ્યુલા પ્રમાણે પ્રચાર અને મતદાન કરાવી શકે છે. 
 
ખેડૂતો રોષથી મતદાન પર અસર પડી શકે
 
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ ભાજપની સરકારથી સંપૂર્ણ સંતુષ્ટ પણ નથી, દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભલે ગુજરાતના ખેડૂતો જોડાયા નથી, પરંતુ ચૂંટણીમાં મતદાનના માધ્યમથી ખેડૂતો રોષ વ્યકત કરી શકે એવી પણ સંભાવના છે.31 જિલ્લા પંચાયતમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ભાજપ માટે સૌથી વધુ પડકારજનક છે, કેમ કે આ વિસ્તારમાં સૌથી વધુ ખેડૂત મતદારો છે.
 
શહેરો જેટલી સુવિધા હજુ ગામડાંમાં ઉપલબ્ધ થઈ નથી
 
જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકામાં ભાજપની પીછેહટ પાછળનાં એવાં કારણો તારવવામાં આવ્યાં છે કે શહેરો જેટલી સુવિધા હજુ ગામડાંમાં ઉપલબ્ધ થઈ નથી, સાથે સાથે ગ્રામ્ય મતદારો ઘણા સાણા અને સમજુની સાથે જ્ઞાતિવાદ અને પરિવાર તથા સમાજવાદમાં વધુ માનતા હોવાથી રાજકીય પક્ષ કરતાં વધુ ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે, તેથી માત્ર ભાજપના ચિહનથી જીતવું ઘણું અઘરું છે.
 
6 મહાનગર પાલિકાનું 48 ટકા મતદાન થયું
 
કોરોના સંક્રમણને કારણે 3 મહિના મોકુફ રહ્યાં પછી યોજાયેલી રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન નોંધાયું હતું. સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું. આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું હતું. જ્યારે જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. ચોંકાવનારી વાત એ છે કે બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 26.83%ની હતી. પરંતુ છેલ્લા અઢી કલાકમાં મતદાનની સરેરાશ અચાનક જ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ એર એમ્બ્યુલન્સ દ્વારા મતદાન માટે રાજકોટ ગયા હતા. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર