સરસ્વતી નદીમાં કારતક સુદ એકમથી કારતક સુદ પુનમ સુધી તર્પણનો અનેરો મહિમા હોઈ પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવતા હોય છે. ચાલુ વર્ષે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ હોવા છતાં પ્રતિદિન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવે છે. જેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, માધુ પાવડિયા ઘાટ અને આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રતિદિન આવતાં શ્રદ્ધાળુઓની સંખ્યા જોતાં સામાજિક અંતર જળવાવાની શક્યતાઓ નહિવત્ છે. માટે બીજી સુચના ન મળે ત્યાં સુધી સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ રહેશે.
વધુમાં કલેક્ટરએ જણાવ્યું કે, તર્પણ એ લોકોની આસ્થા સાથે જોડાયેલો વિષય છે. જેના પ્રતિ વહિવટી તંત્ર સંવેદનશીલ છે, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં જાહેર હિતને ધ્યાને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.