દશેરાના દિવસે બહુચર માતાજીને 300 કરોડના ‘નવલખા હાર’નો શણગાર કરાયો
બહુચરાજીમાં વિજયાદશમીના પર્વે મંગળવારે સાંજના 4 વાગે બહુચર માતાજીની ભવ્ય પાલખીયાત્રા બેચર ગામે શમીવૃક્ષ પૂજન માટે નીકળી હતી. આ સમયે માતાજીને નવલખો હાર પહેરાવાયો હતો. વડોદરાના રાજવી શ્રીમંત માનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સુબા હતા ત્યારે તેમને પાઠાનું અસાધ્ય દર્દ હતું, જે માતાજીની બાધાથી મટી ગયા બાદ તેમની રાજા બનવાની મનોકામના પણ પૂર્ણ થઈ હતી. આથી તેમણે અહીં સને 1839માં ભવ્ય મંદિર બંધાવી માતાજીને અમૂલ્ય નવલખો હાર અર્પણ કર્યો હતો. આ હાર વર્ષમાં માત્ર દશેરાના દિવસે જ માતાજીને પહેરાવાય છે. કરોડોની કિંમતના આ હારને વહીવટદારની ખાસ કસ્ટડીમાં રાખવામાં આવે છે. પાલખીયાત્રા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.