અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં પીજી મેડિકલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષના સીનિયર રેસિડેન્સ ડોક્ટરો અને પીજી સ્ટુડન્ટ્સ સામે કરાયેલી રેગિંગની ફરિયાદ મુદ્દે કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ સુનાવણી હાથ ધરી હતી. કમિટીની સુનાવણી ત્રણથી ચાર કલાક ચાલી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓ પીજી રેસિડેન્સ ડોક્ટરોના નિવેદનો લેવાયા હતાં અને કમિટીએ પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ હોવાનું નોંધ્યું હતુ
. આ ઘટનામાં કમિટીએ તપાસ બાદ રેગિંગ કરનાર રેસિડેન્ટ ડોક્ટર પૈકી 2 ડોક્ટરને 3 ટર્મ અને એક રેસિડેન્ટ ડોક્ટરને 2 ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.રેગિંગ કરનાર ત્રણ પૈકી હર્ષ સુરેજા નામના સ્ટુડન્ટે રેગિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી અને ભવિષ્યમાં આ પ્રકારેની ભૂલ નહીં થાય તેવી બાયધરી આપી હતી. જ્યારે જયેશ ઠુમમર અને ધવલ માકડિયાએ કબૂલાત નહોતી કરી. જયેશ ઠુમ્મર અને ધવલ માંકડિયાને 3 ટર્મ એટલે દોઢ વર્ષ માટે અને હર્ષ સુરેજાને 2 ટર્મ એટલે 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કર્યા બાદ ફરીથી જ્યારે ત્રણેય ડોક્ટર રિજોઈન કરશે, ત્યારે તેમની પાસેથી ડિપાર્ટમેન્ટનું ગુડ સર્ટિફિકેટ લેવામાં આવશે.બીજે મેડિકલ કોલેજમાં પીજી મેડિકલમાં ઓર્થોપેડિક બ્રાંચમાં અભ્યાસ કરતાં પ્રથમ વર્ષના છ વિદ્યાર્થીઓએ ત્રીજા વર્ષના ત્રણ સીનિયર રેસિડેન્સ ડોક્ટરો સામે માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હોવાની અને રેગિંગની ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઓર્થોપેડિકના એચઓડીને ફરિયાદ કરાયા બાદ પીજી ડાયરેક્ટરને પણ ફરિયાદ ફોરવર્ડ કરાઈ હતી અને નિયમ મુજબ ગઈકાલે એન્ટિ રેગિંગ કમિટીની મીટિંગ મળી હતી.કોલેજના ડીન, હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ તેમજ પીજી ડિરેક્ટર અને અન્ય પ્રોફેસરો સહિતની 12 સભ્યોની મુખ્ય કમિટી ઉપરાંત બે સ્ટુડન્ટ રીપ્રેઝન્ટેટિવ તેમજ વિદ્યાર્થીઓના બે વાલી પ્રતિનિઝિ પણ આ કમિટીમાં હોય છે. કમિટીએ ફરિયાદ કરનાર તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જેમની સામે ફરિયાદ કરાઈ હતી તે સીનિયર રેસિડેન્ટના નિવેદન લેવાયા હતાં અને લેખિતમાં ખુલાસા મંગાયા હતાં. રેગિંગ થયું હોવાના હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર પુરાવા કમિટીને જણાયા છે અને હવે કમિટી દ્વારા આ સમગ્ર કેસનો તપાસ રિપોર્ટ યુજીસીને મોકલાશે.