સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થશે તો નિયંત્રણો આવશેઃ મુખ્યમંત્રીના સચિવ અશ્વિનિકુમાર
મંગળવાર, 19 મે 2020 (16:50 IST)
ગુજરાતમાં મંગળવારથી ધંધા અને રોજગારનો મંગળ પ્રારંભ થયો છે. આ સાથે જ રાજ્યમાં પાનના ગલ્લાં તેમજ ચાની કિટલી વગરે પણ ખૂલી ગયા છે. મંગળવાર સવારથી રાજ્યમાં છૂટછાટ સાથે લોકડાઉનના અમલમાં વિવિધ જિલ્લાઓના મુખ્ય શહેરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આને પગલે રાજ્ય સરકારે દુકાનદારો તેમજ પ્રાજજનોને કોરોના મહામારીની ગંભીરતા સમજીને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનિકુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ચા પાણી પાનના ગલ્લાં, સલૂન ઉપર ભીડ ના થાય એની જવાબદારી દુકાનદાર અને તેની સાથે પ્રજાજનની છે. ફોનથી વાત કરી શકાય તેમ છે ત્યારે હેર કટિંગ સલૂન હોય, બ્યુટીપાર્લરની એપોઇન્ટમેન્ટ લઇને જ ગ્રાહકે જવાનો આગ્રહ રાખવો જોઈએ. ક્લાયન્ટ્સને ફોન ઉપર એપોઈન્ટમેન્ટ આપી દુકાનકારે બોલાવવા જોઈએ. નિશ્ચિત સમય દરમિયાન લોકો ભેગા ના થાય એનું આયોજન કરે. પાનની દુકાન, ચાની દુકાન કે કોઇપણ દુકાન હોય લોકો ભેગા થાય નહીં. સ્વશિસ્તનું પાલન પોતાને જ કરવાનું છે. સરકારે તમારા હિતમાં આ ખુલ્લું કર્યું છે અને હવે લોકોએ તેને જાળવવાનું છે. જો વધારે ભીડ ભેગી થતી જણાશે તો પછી નિયંત્રણો આવશે.અમુક વિસ્તારોમાં દુકાનોમાં બંધ કરાવી દેવાશે. સરકાર સમજે છે કે પહેલો દિવસ છે, હળવાશ છે, પણ લોકોએ કહ્યું છે કે કોરોના સાથે જીવવું પડશે. આર્થિક વ્યાપારિક અને સામાજિક પહેલુ હળવા કરવા પડશે. આ નિર્ણયને સાચી અને સારી રીતે સમજવાની જરૂર છે. ઉત્સાહ અને અધિરતાના લીધે ભીડ ન થાય એનું ખાસ ધ્યાન લોકો રાખે. ભવિષયમાં છૂટછાટો આપવા વિચારાશે નહીંતર તે પરત ખેંચાશે