આ પ્રોજેક્ટ ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ (DIACL) દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI), ગુજરાત સરકાર (GoG) અને નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઈમ્પ્લીમેન્ટેશન ટ્રસ્ટ (NICDIT)નો સમાવેશ કરતી સંયુક્ત સાહસ કંપની છે. જે 51:33:16 ના ગુણોત્તર ઈક્વિટી ધરાવે છે.
ધોલેરા ઇન્ટરનેશન એરપોર્ટ પરથી 4ઇ એરક્રાફ્ટ ઉડી શકે તે માટે યોગ્ય એવો 3200 મીટર લાંબો રન-વે વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં બીજો રન-વે બનાવવામાં આવશે. જ્યારે ત્રણેય તબક્કા પૂર્ણ થશે ત્યારે આ એરપોર્ટ પરથી 100 મિલિયન જેટલા મુસાફરો પ્રતિવર્ષ આવન-જાવન કરી શકશે. વિમાન પાર્કિંગ માટે 12 એપ્રોન બનાવવામાં આવશે અને 20,000 ચોરસમીટર જમીનમાં પેસેન્જર ટર્મિનલ બનશે. 3000 ચોરસમીટરથી વધુના અલગ અલગ એટીસી ટાવર સાથે કાર્ગો ટર્મિનલ પણ આ એરપોર્ટમાં બનાવવામાં આવશે.
ધોલેરા ખાતેનું નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ અમદાવાદ, એરપોર્ટથી 80 કિમીના હવાઈ અંતરે આવેલું છે. એરપોર્ટને વર્ષ 2025-26 થી કાર્યરત કરવાની યોજના છે અને પ્રારંભિક પેસેન્જર ટ્રાફિક વાર્ષિક 3 લાખ મુસાફરો હોવાનો અંદાજ છે, જે 20 વર્ષના સમયગાળામાં વધીને 23 લાખ થવાની ધારણા છે. વાર્ષિક કાર્ગો ટ્રાફિક પણ વર્ષ 2025-26 થી 20,000 ટન હોવાનો અંદાજ છે, જે 20 વર્ષના સમયગાળામાં વધીને 2,73,000 ટન થશે.