જાણો ભારતીય રેલવે અમદાવાદના કયા રેલવે સ્ટેશનને વૈશ્વિક કક્ષાનું બનાવશે
મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (12:18 IST)
ભારતીય રેલવેએ અમદાવાદના સાબરમતી સ્ટેશનને વૈશ્વિક કક્ષાનું બનાવવાની તૈયારી શરૂ કરી છે. અહીંના બંને સ્ટેશનોનો પુન: વિકાસ મહાત્મા ગાંધીના દાંડી માર્ચની થીમ પર કરાઈ રહ્યો છે. આ જ સ્ટેશનથી બુલેટ ઉપડશે. તેમજ મેટ્રો સ્ટેશન માટે પણ કોરિડોર બનશે. ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમે સાબરમતી સ્ટેશનને પીપીપી ધોરણે વિકસાવવાનું નક્કી કર્યું છે. સ્ટેશનની ઇમારતની થીમ મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહ આંદોલન અને દાંડી માર્ચ આધારિત હશે. યોજનામાં મીટર ગેજ અને બ્રોડગેજ સ્ટેશનોને જોડવામાં આવશે. મુંબઇ - અમદાવાદ હાઇસ્પિડ બુલેટ ટ્રેન બંને સ્ટેશનો વચ્ચેથી પસાર થશે. આઇઆરએસડીસીના જણાવ્યા પ્રમાણે આ માટેની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. પુન: વિકાસ 125 કરોડના ખર્ચ કરવામાં આવશે. સાબરમતીના બંને સ્ટેશનો બ્રોડગેજ (જેલ રોડ) અને મીટર ગેજ (ધર્મ નગર) રહેશે. મુસાફરોની સુવિધા માટે બે સ્ટેશનોને ટ્રાવેલેટરથી જોડાશે. આ સ્ટેશન 19.55 લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં ડેવલપ કરાશે. જેમાં વેઇટિંગરૂમ, રિયાટરિંગ રૂમ, રિટેઇલ શોપ વગેરેની સુવિધા હશે. આ સાથે જ ચીમનભાઇ બ્રીજની બાજુમાં નેશનલ હાઇ સ્પીડ કોર્પોરેશન દ્વારા તૈયાર થઇ રહેલા 9 માળના ટ્રાન્સપોર્ટેશન હબ સાથે પણ જોડાશે. સ્ટેશન પર એક્સેલેટર, ફૂટ ઓવર બ્રિજ, લિફ્ટની સુવિધા હશે.