સમગ્ર દેશમાં ઘર ખરીદવા માટે અમદાવાદ સૌથી સસ્તુ અને મુંબઈ અને હૈદરાબાદ સૌથી મોંઘા શહેર

શુક્રવાર, 29 ડિસેમ્બર 2023 (15:19 IST)
સમગ્ર દેશમાં અમદાવાદ સૌથી સસ્તુ હાઉસિંગ માર્કેટ હોવાનું એક રિપોર્ટનું તારણ છે. જ્યારે મુંબઈ અને હૈદરાબાદ સૌથી મોંઘા શહેર હોવાનું તારણ રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે.પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રાંક ઇન્ડિયાના 2023ના એફોર્ડેબિલિટી ઇન્ડેક્સ રિપોર્ટ પ્રમાણે 2022માં એફોર્ડિબિલિટીમાં ઘટાડો આવ્યા બાદ 2023મા ઘર ખરીદનારાઓમાં ઇએમઆઇથી લઇને ઇન્કમ રેશિયોમાં સુધારો જોવા મળી રહ્યો છે.

2019માં આવેલી કોરોના મહામારી બાદ હોમ એફોર્ડેબિલિટીમાં તબક્કાવાર રીતે સુધારો જોવા મળ્યો છે. 21 ટકા એફોર્ડેબિલિટી રેશિયો સાથે દેશમાં અમદાવાદ મોસ્ટ એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટ છે. એટલે કે અમદાવાદ શહેરમાં ઘર ધરવાતી વ્યક્તિને પોતાની આવકમાંથી 21 ટકા રકમ હાઉસિંગ લોનની ઇએમઆઇ માટે ખર્ચ કરવી પડે છે. અમદાવાદ બાદ કોલકતા અને પૂણે 24 ટકા સાથે બીજા અને ત્રીજા ક્રમે ઘર ખરીદવા માટેના સૌથી સસ્તા શહેરો છે.
ahmedabad

નાઇટ ફ્રાંકના રિપોર્ટ પ્રમાણે, મુંબઇ 51 ટકા સાથે ઘર ખરીદવા માટે સૌથી મોંઘા શહેરોમાં ટોચ પર આવે છે. ત્યારબાદ હૈદરાબાદ સૌથી મોંઘુ શહેર છે. હૈદરાબાદમાં ઘર માટે પોતાની આવકમાંથી 30 ટકા હિસ્સો ઇએમઆઇ પાછળ ખર્ચ કરવો પડે છે. જ્યારે 27 ટકા સાથે એનસીઆર, 26 ટકા સાથે બેંગ્લુરુ, 25 ટકા સાથે ચેન્નાઇ આવે છે.

2022ના નાઇટ ફ્રાંકના એફોર્ડેબિલિટી ઇન્ડેક્સના આંકડા જોઇએ તો તેમાં સૌથી એફોર્ડેબલ સિટીમાં અમદાવાદ 22 ટકા સાથે ટોચ પર હતું. ત્યારબાદ બીજા 25 ટકા સાથે કોલકતા અને પૂણે હતું. 27 ટકા સાથે ચેન્નાઇ અને બેંગાલુરુ ત્રીજા અને ચોથા ક્રમે હતું. જ્યારે 29 ટકા સાથે એનસીઆર પાંચમા ક્રમે હતું. તેમજ હૈદરાબાદ 30 ટકા સાથે છઠ્ઠા ક્રમે અને 53 ટકા સાથે મુંબઇ સાતમા ક્રમે હતું.  2022માં પણ અમદાવાદ સૌથી સસ્તુ શહેર જ્યારે મુંબઇ સૌથી મોંઘુ શહેર હતું.

અમદાવાદ સહિતના દેશના કોઇપણ મેગા સિટીમાં કોઇ એક પરિવારને રહેવા માટે ઘર ખરીદવું હોય તો એ ઘર ખરીદવા માટે તેની આવકમાંથી કેટલા ટકા હિસ્સો ઇએમઆઇ પાછળ ખર્ચ થશે તે નાઇટ ફ્રાંક એફોર્ડેબિલિટી ઇન્કેસમાં સુચવવામાં આવે છે. જે 20 વર્ષના ગાળાની લોન અને લોનની 80 ટકા વેલ્યુના આધારે નક્કી કરવામાં આવે છે. કોઇપણ વ્યક્તિ ઘર ખરીદવા માટે તેની આવકમાંથી 40 ટકા સુધી ઇએમઆઇ ભરી શકે છે. જ્યારે 50 ટકાથી વધુ ઇએમઆઇ ભરવાનું આવે તો તેને મોંઘુ માનવામાં આવે છે. આ રિપોર્ટ અનુસાર, મોંઘવારીમાં ઘટાડાની શક્યતા અને વ્યાજદરમાં ઘટાડાના અનુમાન સાથે 2024માં પણ હોમ એફોર્ડેબિલિટીમાં ઘણો સુધારો જોવા મળી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર