અમદાવાદમાં પોલીસે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવાની પહેલ શરૂ કરી
શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (14:12 IST)
શહેરમાં એકલવાયુ જીવન જીવતા સિનીયર સિટીઝનોને આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક સહાય મળી રહે તે માટે પોલીસે નમન આદર સાથે અપનાપન નામની સ્કિમ શરૂ કરી છે. જેમાં પોલીસની શી ટીમ દર પંદર દિવસે એકવાર તેમની મુલાકાત લેશે ઉપરાંત રાશન, દવાઓ અને ગેસ સિલીન્ડર લાવવામાં મદદરૂપ થશે. પોલીસ કમિશનરે શહેર પોલીસની કામગીરીના લેખાજોખ ર્કરીને શહેરમાં ગુનાખોરીમાં ઘટાડો થયો હોવાનો દાવો કર્યો હતો. અમદાવાદ શહેર પોલીસે 2018 અને 2019માં કરેલી કામગીરી સંદર્ભે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ લેખાજોખા રજુ કર્યા હતા. જેમાં 2018ની સરખામણીએ 2019માં ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનો દાવો કરાયો હતો. તે સિવાય શહેર પોલીસ દ્વારા સિનીયર સિટીઝનો ની સેવા, સુરક્ષા અને સંભાળ માટે બનાવવામાં આવેલી નમન આદર સાથે અપનાપન નામની સિક્મ અંગે પણ તેમણે માહિતી આપી હતી. શહેરમાં એકલવાયુ જીવન જીવતા સિનીયર સિટીઝનોને આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક સહાય મળી રહે તથા સુરક્ષિત રહે તે માટે હાલ 860 જેટલા સિનીયર સિટીઝનોની નોધણી થયેલી છે. આગામી સમયમાં તેમની સુરક્ષા અને સંભાળ માટે 5000 જેટલા સિનીયર સિટીઝનોની નોંધણી કરવાનું ધ્યેય નક્કી કરાયું છે. પોલીસ આ સિનીયર સિટીઝનોની નિયમિતપણે પંદર દિવસે એક વખત મુલાકાત લેશે અને ઈમરજન્સી, લીગલ, મેડીકલ અને સુરક્ષા જેવી બાબતોની જાણકારી મેળવી આ મુશ્કેલીઓ દુર કરવા પ્રયાસ કરાશે, તેમની જીવન જરૂરિયાતની રાશન, ગેસ સિલીન્ડર, દવાઓ અને લાઈટબિલ જેવી બાબતોમાં મદદરૂપ થવા પોલીસને સુચનાઓ કરવામાં આવી છે. આમ પોલીસે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવાની પહેલ શરૂ કરી છે. તે સિવાય ટ્રાફિક મુદ્દે આગામી દિવસોમાં એક્શન પ્લાન તૈયાર કરાશે. ઉપરાંત સાયબર ક્રાઈમ અટકાવવા પર વધુ ધ્યાન અપાશે. શહેર પોલીસ સ્ટેશનોની શી ટીમો દ્વારા 2019માં વિવિધ ઠેકાણે રોનીયોગિરી કરતા 354 શખ્સોને ઝકડી લેવાયા હતા. આમ શી ટીમોએ મહિલાઓની છેડતીના બનાવો અટકાવી મહિલા સુરક્ષા ક્ષેત્રે મહત્વપુર્ણ કામગીરી કરવામાં આવી હતી. જેને પગલે તેમની કામગીરીમાં વધારો કરવામાં આવશે. આ શી ટીમો દ્વારા મહિલા અને બાળકોની સુરક્ષાને પ્રાધાન્ય અપાય છે. પીક અવર્સ, બાગ બગીચા, સ્કુલ, કોલેજો શરૂ થવાના અને છુટવાના સમયે ખાસ પેટ્રોલિંગ રાખશે. તે સમયે ખાનગી કપડામાં સજ્જ શી ટીમો અસામાજીક તત્વો પર વોચ રાખીને વિદ્યાર્થીઓને હેરાન કરતા નજરે ચડશે તો તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરશે. તે સિવાય એએમટીએસ, બીઆરટીએસ બસ સ્ટેશનો, ટયુશન ક્લાસીસ, મોલ, થિયેટરો, શાક માર્કેટ, ખરીદી બજારો, ધાર્મિક સ્થળો , મહિલા પી.જી. હાઉસ, હોસ્ટેલ તેમજ તહેવારો મોળાઓ સમયે સમયાતરે ડીકોઈનું આયોજન કરાય છે. સ્કુલ, કોલેજો, ગર્લ્સ હોસ્ટેલ,પી.જી.સેન્ટરો અને મહિલા સંરક્ષણ ગૃહની મુલાકાત લઈ સેમીનારનું આયોજન કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.