ગઈકાલે મોડી રાતે મંદિર પ્રાંગણની લાઈટ બંધ કરી અંધારામાં પોલીસની મદદથી ભીંતચિત્રને દૂર કરવામાં આવ્યા હતા.આ મામલે મીડિયાને દૂર રાખી ચિત્રોને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. હવે કુંડળ સ્વામિનારાયણ મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિ હટાવવામાં આવી છે. કુંડળ મંદિર પરિસરમાં નીલકંઠવર્ણીને ફળ અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિને લઈ વધતા વિવાદ વચ્ચે કુંડળ સ્વામિનારાયણ મંદિરના વહીવટી તંત્ર દ્વારા આ મૂર્તિને હટાવવામાં આવી છે. બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પાર્કિંગ પાસે બનાવાયેલા બગીચામાં હનુમાનજીની મૂર્તિ મુકાઈ હતી.
જે મૂર્તિમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના નિલકંઠવર્ણીને ફળ અર્પણ કરતા દર્શાવાયા હતા. આ મૂર્તિને લઈને સનાતની સાધુ-સંતો, હિન્દુ સંગઠનો અને હનુમાન ભક્તોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો હતો. ધર્મ ગુરુઓ અને હિન્દુ સંગઠનોએ આ મૂર્તિને હટાવવાની માંગ કરી હતી. તો કેટલાક સાધુએ તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ મુદ્દે સનાતની સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોનો બેઠકો દોર શરૂ થઈ ગયો હતો.