સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ વિવાદોનો અંત લાવવા આ ભીંતચિત્રોને હટાવી લેવામાં આવ્યા હતાં. વિવાદનું સુખદ સમાધાન આવ્યા બાદ પણ સનાતની સંતો હજી નારાજ જોવા મળી રહ્યાં છે. સંતો હજુ પણ આ મામલે લડી લેવાના મૂડમાં હોય એવું દેખાઈ રહ્યું છે. ગઈકાલે લીંબડીમાં સનાતન ધર્મના સાધુ-સંતોની બેઠક મળી હતી. જેમાં તેમની માગણીઓ પરના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં સંતોએ કેટલાક મુદ્દાઓ તૈયાર કર્યા હતાં અને તેની સામે સ્વામીનારાયણ સંપ્રદાય સામે હાંકલ કરવાનું વિચાર્યું હતું. બીજી તરફ અમદાવાદમાં પણ આજે જગન્નાથજી મંદિર ખાતે સંતોની મહત્વની બેઠક મળી હતી.
નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરવામાં આવી હતી
સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સારંગપુરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં સનાતની સંતો અને સ્વામીનારાયણના સંતોએ સામ સામે નિવેદનો કર્યાં હતાં. તે ઉપરાંત હનુમાન ભક્તોમાં પણ આ ભીંતચિત્રોને લઈને રોષ ફેલાયો હતો. જેને લઈને નૌતમ સ્વામીની અખીલ ભારતીય સંત સમિતીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્વામીનારાયણના સંતોએ રાજ્ય સરકાર અને વીએચપી સાથે બેઠક કરી હતી અને સમગ્ર વિવાદનું સુખદ સમાધાન આવ્યું હતું. પરંતુ લિમડી ખાતે મળેલી બેઠકમાં સનાતની સંતો નમતુ જોખવા તૈયાર નહોતા થયા તેઓ હજી પણ લડી લેવાના મુડમાં દેખાઈ રહ્યાં છે. આજે અમદાવાદમાં જગન્નાથજી મંદિરે સનાતની સંતોની બેઠક મળી હતી. જેમાં મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નૌતમ સ્વામીની હકાલ પટ્ટી બાદ દિલીપદાસજી મહારાજની અખિલ ભારતીય સંત સમિતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.