આધાર કાર્ડ ન હોવાથી કોરોના રિપોર્ટ કરવાની પાડી ના, વૃદ્ધનું થયું મોત

શનિવાર, 13 જૂન 2020 (14:37 IST)
દેશમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર કોરોનાનો રિપોર્ટ કરાવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત કર્યું છે. પરંતુ ભારતમાં હજી ઘણાં લોકો એવાં છે કે જેમની પાસે પોતાનું આધારકાર્ડ નથી. ત્યારે આધાર કાર્ડને લઇને કોરોના રિપોર્ટ કરાવવા મુદ્દે અમદાવાદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં આધાર કાર્ડ ન હોવાને કારણે એક વૃદ્ધનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
 
અમદાવાદ શહેરના અમરાઈવાડીના નાગરવેલ હનુમાન ચાર રસ્તા પાસે રહેતા એક 90 વર્ષના વૃદ્ધની તબિયત અચાનક લથડી પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા માટે કોરોનાનો ટેસ્ટ ખૂબ જ જરૂરી હતો. પરંતુ તેઓની ફિંગરપ્રિન્ટ ન આવી શકવાને કારણે તેમનું આધારકાર્ડ બની શક્યું ન હતું. જેથી તેમની પાસે આધારકાર્ડ ન હોવાથી તેઓને કોરોનાનો રિપોર્ટ કરવાની ના પાડી દીધી હતી.
 
આ મામલે પરિવારે કોર્પોરેટર સમક્ષ પણ રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાં કોર્પોરેટની રજૂઆત બાદ પણ રિપોર્ટ ન હોતો કરવામાં આવ્યો અને આ ઘટનાનાં બીજા જ દિવસે 90 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું.
 
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેટર ડૉ. ચંદ્રાવતીબેને રજૂઆત કરી હતી કે, “રામજીયાવનભાઈ પટેલની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા માટે કોરોનાનો ટેસ્ટ કરવો જરૂરી હતો. જો કે ઉંમરલાયક હોવાના કારણે તેમની ફિંગરપ્રિન્ટ ન આવવાથી તેમનું આધારકાર્ડ તૈયાર થઇ શક્યું ન હતું. જેથી તેમની તબિયત બગડ્યાં બાદ દાખલ કરાતા કોરોનાનો રિપોર્ટ આધાર કાર્ડ વગર ના નીકળી શક્યો. તેમનો કોરોનાનો રિપોર્ટ કરવાની ના પાડી દીધી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર