અમદાવાદમાં વટવા અને દરિયાપુરમાં પેડલરોને ડ્રગ્સની ડિલીવરી કરવા આવેલો શખ્સ ઝડપાયો

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (18:42 IST)
ક્રાઈમ બ્રાંચે 22.97 લાખના ડ્રગ્સના જથ્થા સહિત 23.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
 
અમદાવાદમાંઃ શહેરમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરીના કિસ્સાઓ વધુ પ્રમાણમાં બની રહ્યાં છે. શહેરમાં કોકેઈનની હેરાફેરી પણ શરૂ થઈ ગઈ છે. ક્રાઈમ બ્રાંચે તાજેતરમાં જ 20.36 લાખનું 203 ગ્રામ ડ્રગ્સ પકડી એક આરોપીની ધરપકડ કરી હતી. હવે શહેરમાં ફરીવાર આજે 22.97 લાખના 229.700 ગ્રામ એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. 
 
કુલ 23.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને ડ્રગ્સની ડીલિવરી કરનાર શખ્સ અંગે બાતમી મળી હતી. આ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, બેટરીવાળો વજનકાંટો, પ્લાસ્ટીકની ઝીપર બેગ મળીને કુલ 23.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 
 
પોલીસે શહેરમાં પેડલરોની શોધખોળ શરૂ કરી દીધી
પોલીસની પુછપરછમાં આ શખ્સે છ મહિનાથી એમડી ડ્રગ્સનું વેચાણ ચાલુ કર્યું હોવાનું જણાવ્યું હતું. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના દેવલદી ગામમાંથી આ ડ્રગ્સનો જથ્થો લાવીને અમદાવાદના દરિયાપુર અને વટવા વિસ્તારમાં સક્રિય રહેલા પેડલરોને પહોંચાડતો હતો. પોલીસે શહેરમાં પેડલરોની શોધખોળ શરૂ કરી દીધી છે. આરોપી સામે શહેરમાં કારંજ, વેજલપુર, કાલુપુર,રામોલ અને કારંજ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર