રખડતાં ઢોરના કાયદા સામે માલધારીઓ આંદોલન કરવાના મૂડમાં, મોટી સંખ્યામાં માલધારીઓ ઉમટશે

સોમવાર, 4 એપ્રિલ 2022 (11:33 IST)
ગુજરાત સરકાર દ્વારા રસ્તે રખડતા ઢોર મુદ્દે લાવવામાં આવેલા કાયદા સામે હવે માલધારીઓ આંદોલન કરવાના મૂડમાં છે. ગાંધીનગર જિલ્લાનાં ટીટોડા ગામમાં આવેલા માલધારી સમાજની ગુરુ ગાદી શ્રી રામજી મંદિર ખાતે મળેલી માલધારી સમાજની મિટિંગમાં ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા રખડતાં ઢોરના કાયદા સામે માલધારી સમાજ દ્વારા આંદોલનનું રણશિંગુ ફુકવામાં આવ્યું છે. જેમાં આવેદનપત્ર, રેલીઓ, મહાસંમેલન અને પશુ સાથે રાખી રેલી જેવા કાર્યક્રમો ઘડવામાં આવશે તેવી રણનીતિ નક્કી કરાઈ છે.
 
ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા ધારાસભ્ય રઘુ દેસાઈ અને ધારાસભ્ય લાખા ભરવાડે આગામી દિવસોમાં આંદોલનનું રણશિંગુ ફુંકતા જણાવ્યું હતું કે સોમવારથી ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં કાળા કાયદાનાં વિરુધ્ધમાં તમામ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર ગુજરાત માલધારી મહાપંચાયતનાં નેજા હેઠળ આપવામાં આવશે. ત્યારબાદ વિવિધ કાર્યક્રમોની તબક્કાવાર જાહેરાતો કરવામાં આવશે. કાર્યક્રમો આશ્ચર્યજનક, રેલી સ્વરૂપે, પશુઓ સાથેની રેલી, મહાસંમેલનો જેવાં વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે.
 
જેના ભાગરૂપે અમદાવાદ કલેક્ટર કચેરીએ સોમવારે સવારે 10 વાગ્યે આવેદન પત્ર આપવામાં આવશે. જેમાં ધારાસભ્ય રઘુ દેસાઈ, ધારાસભ્ય લાખા ભરવાડ સહિતના આગેવાનો જોડાશે. તેમની સાથે મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉમટી પડશે. માલધારી સમાજની મહત્વની મિટિંગમાં વિવિધ રાજકીય હોદ્દેદારો, માલધારી સમાજનાં આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉપસ્થિત રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર