ભરૂચના આમોદ અને જંબુસર તાલુકામાં પસાર થતી ઢાઢર નદી તેના મીઠા જળ માટે જાણીતી છે, સાથે આ નદીમાં વસવાટ કરતાં જળચરોને લઈને પણ ચર્ચામાં રહે છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. ભરૂચ જિલ્લાના આમોદ નજીક ઢાઢર નદીના પુલનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોએ ભારે કુતૂહલ સર્જ્યું છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે ઢાઢર નદીમાં મગરોનું વિશાળ ઝુંડ પુલ નીચેથી પસાર થઇ રહ્યું છે. આ ઝુંડમાં એક બે નહિ, પરંતુ 20થી 25 મગર ઢાઢર નદીના પુલ નીચેથી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જઈ રહ્યા છે. ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જોવા માટે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં.
ઢાઢર નદીમાં મગર નજરે પડવા આમ તો સામાન્ય બાબત છે. ઢાઢર નદીના કિનારે નજર કરવામાં આવે તો મોટે ભાગે એકાદ-બે મગર કિનારા પર સૂર્યની ગરમી મેળવતા નજરે પડે છે. ઠંડા લોહીનો આ જીવ ગરમી મેળવવા પાણીની બહાર આવે છે. આજની ઘટનાની વાત કરવામાં આવે તો એકસાથે આટલી મોટી સંખ્યામાં મગર નજરે પડવાનો આ ઐતિહાસિક બનાવ માનવામાં આવી રહ્યો છે.