ફાયર વિભાગને જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.સુરતના સરથાણા વિસ્તારમાં સવારે શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે. આજે સવારે પણ શાળા અને કોલેજ જવાના સમય દરમિયાન જ બીઆરટીએસ બસમાં બસસ્ટોપ પર જ આગની ઘટના બનતાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
કેટલાક વિદ્યાર્થીઓ બસમાં બેઠા હતા, પરંતુ ધુમાડો નીકળતાંની સાથે જ સમયસૂચકતા દાખવીને તેઓ નીચે ઊતરી ગયા હતા. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂને લીધી હતી.બીઆરટીએસ બસ સ્ટોપ પર ઊભેલી બસમાં એકાએક આગ લાગતાંની સાથે જ કોઈ સમજે એ પહેલાં તો આગે સમગ્ર બસને લપેટમાં લઈ લીધી હતી. સવારના સમયે ખૂબ મોટી સંખ્યામાં અવરજવર કરનારા લોકો પણ બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે. આ બાબતે ફાયર અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનામાં કોઈ પણ ઈજા કે જાનહાનિ થઈ નથી.