રાજકોટમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત રેસકોર્સમાં શહેર ભાજપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે. ગઈકાલે ભાજપ આયોજિત ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સરપદડ ગામના 73 વર્ષના લાડુવીર ગોવિંદભાઈ લુણાગરીયા 21 મિનિટમાં 21 લાડું આરોગીને વિજેતા થયા હતા.
ગોવિંદભાઈએ શરૂઆતની 3 મિનિટમાં જ 5 ને પાછળની 17 મિનિટમાં બીજા 16 લાડુ ચટ કર્યા હતા. એક લાડુનું વજન 100 ગ્રામ હતું. એટલે 2 કિલો 100 ગ્રામ લાડુ આરોગ્યા હતા. જ્યારે 10 લાડુ ચટ કરી જનાર મહિલાએ પણ જીત મેળવી હતી. પ્રાપ્ત વિગત મુજબ ગત વર્ષે 23 લાડુ જમી જનાર ગોવિંદભાઈ આ વખતે ફરી વિજેતા થયા હતા. બીજા ક્રમે આવેલા મોકાસણના માવજીભાઈ ઓળકિયા સાડા 13 લાડુ ખાઈ ગયા હતા. લાડુ સ્પર્ધામાં મહિલાઓમાં પ્રિતીબેન રૂપારેલીયા 10 લાડુ ખાઈ પ્રથમ ક્રમે રહ્યા હતા. રેસકોર્સમાં લાડુ સ્પર્ધા યોજાતા તેમાં 100 ગ્રામનો એક લાડુ દાળ અને પાણી સાથે પિરસાયા હતા. પ્રથમ 5 મિનીટમાં 5 લાડુ ખાઈ શકનાર કવોલિફાઈડ થતા હતા.ત્યારબાદ બીજા ક્રમે રહેલા માવજીભાઈએ સાડા તેર લાડુએ અટકી જતા સરપદડના ગોવિંદભાઈ તેમના ગત સાલના વિક્રમ 23 લાડુથી 2 લાડુ ઓછા ખાવા છતા વિજેતા થયા હતા. ત્રીજા ક્રમે આવેલ રમેશભાઈ પાંચાણી અને કમલેશ ચૌહાણ 13 લાડુ પણ જમી શક્યા નહોતા. મહિલાઓમાં પ્રિતિબેન રૂપારેલિયાએ 10 લાડુ અને વૈશાલીબેને આશરે 7 લાડુ ખાધા હતા. શ્રદ્ધાબેન બાવળિયા નામની મહિલાએ 11 લાડુ ખાઈ લીધા હતા. પણ તેમને ઊલટી થઈ જતા સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા.