ગુજરાતમાં 24 કલાકમાં 97 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, 207 ડેમમાં 48.56% પાણીનો સંગ્રહ

શનિવાર, 27 જુલાઈ 2024 (13:36 IST)
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 54.46 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં  75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં 73.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66.05, મધ્ય ગુજરાતમાં 33.29 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 29.55 ટકા સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 97 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો છે. તાપી જિલ્લામાં 24 કલાકમાં 59 મિમિ વરસાદ નોંધાયો છે. 
 
ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, દીવ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
 
સરદાર સરોવર ડેમ 53.67 ટકા પાણીથી ભરાયો
ગુજરાતમાં વરસાદના પાણીની આવકથી જળાશયોમાં નવા નીર આવ્યાં છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.58 ટકા પાણી મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 36.66 ટકા પાણી, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 50.34%, કચ્છના 20 જળાશયોમાં 50.8% , સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.86% પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સરદાર સરોવર ડેમ 53.67 ટકા પાણીથી ભરાયો છે. રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.132 ડેમોમાં હજુ પણ 70% કરતાં ઓછું પાણી.11 ડેમ વોર્નિંગ ઉપર મુકાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર