કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા વરસાદ નોંધાયો
Rainfall in Gujarat - ગુજરાતમાં બીપરજોય વાવાઝોડા બાદ ચોમાસાની જબરદસ્ત એન્ટ્રી થઈ હતી. વરસાદના ત્રણ રાઉન્ડમાં રાજ્યના નદી નાળા છલકાઈ ગયા હતાં અને જળાશયોમાં નવા નીર આવ્યા હતાં. ત્યારે કેટલાક દિવસથી શાંત થયેલા મેઘરાજા હવે ફરીવાર પધારવાની તૈયારીમાં છે. રાજ્યમાં વરસાદના ત્રણ રાઉન્ડની વાત કરીએ તો અત્યાર સુધીમાં 79.83 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.46 ટકા ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 63.47 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવરમાં 75.19 ટકા જેટલો જળસંગ્રહ
રાજ્યના ૨૦૭ જળાશયોમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 251184 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 75.19 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.17 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.97 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 72.37 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.23 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.70 ટકા જળસંગ્રહ થયો છે.