ગુજરાતમાં ભર ચોમાસે વાપરવા લાયક પાણીનો 22.90% જથ્થો બચ્યો, ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયો તળિયા ઝાટક

સોમવાર, 27 જૂન 2022 (13:35 IST)
ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેરબાની થતાં ખેડૂતોમાં ખુશની લહેર વ્યાપી છે. પરંતુ રાજ્યના અનેક તાલુકાઓ હજી પણ વરસાદથી વંચિત છે. કેટલાક તાલુકાઓમાં હાલમાં પણ ટેન્કરોથી પાણી પહોંચાડવાની નોબત આવી છે. ત્યારે રાજ્યમાં હાલમાં વાપરવા લાયક પાણીનો જથ્થો માત્ર 22.09 ટકા જ બચ્યો છે. જો વરસાદ ખેંચાય તો રાજ્યમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની વિકટ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

હવે ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ત્યારે પાણીની સમસ્યા પણ દુર થશે એવી ખેડૂતોમાં આશા છે. રવિવારે રાજયના 23 ગામોમાં 17 ટેન્કરો મારફતે 63 ફેરા મારીને પાણી પહોંચાડાયું હતું. જ્યારે શનિવારની વાત કરીએ તો 141 ગામોમાં 95 ટેન્કરો મારફતે 427 ગામોમાં પાણી પહોંચાડાયું હતું. રાજ્યના નર્મદા વિભાગના રીપોર્ટ પ્રમાણે ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં 3.06 ટકા, સાબરકાંઠામાં 3.54 ટકા, બનાસકાંઠામાં 4.99 ટકા અને મહેસાણાના જળાશયોમાં 7.74 ટકા પાણી બચ્યું છે. તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ એટલી હદે કફોડી થવા પામી છે કે લોકોએ આંદોલન કરવું પડ્યું છે. બીજી તરફ પશુઓ માટેના ઘાસચારાની પણ અછત વર્તાઈ રહી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો હોવા છતાં જળાશયોમાં તળિયા ઝાટક સ્થિત છે. બોટાદમાં 1.21, દ્વારકામાં 1.8, સુરેન્દ્રનગરમાં 12.65, જામનગરમાં 10.41, જૂનાગઢમાં 15.86 અને મોરબીમાં 15.44 ટકા પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. ગત ચોમાસાની સરખામણીએ આ વખતે વરસાદ ખેંચાયો છે. જેના કારણે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો કકળાટ વધ્યો છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 138 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ધરમપુર, ઉમરપાડા, જાંબુઘોડા, સોનગઢ, ચિખલી અને ટંકારામાં થયો છે. તે ઉપરાંત ઝોન પ્રમાણે જોઈએ તો અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં 4.5 ટકા, કચ્છમાં 3.75 ટકા, મધ્યગુજરાતમાં 5.97 ટકા, સૌરાષ્ટ્રમાં 9.32 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 7.18 ટકા વરસાદ થયો છે. જ્યારે સમગ્ર રાજ્યની વાત કરીએ તો અત્યાર સુધીમાં માત્ર સાત ટકા જ વરસાદ થયો છે. છ તાલુકાઓ હજી સુધી કોરા ધાકોર છે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, જેને કારણે 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાથી રાહત મળે તેવા સંકેતો પ્રાપ્ત થયાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર