સ્વાઇન ફલુની બીમારી માટે જરૂરી લોકજાગૃતિ, પ્રચાર-પ્રસાર, તકેદારીનાં જરૂરી પગલાં, સ્વચ્છતા અંગે સૂચના આપી
ગાંઘીનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી એમ.એસ. ડાગુરના અઘ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્વાઇન ફલુની બીમારી સંદર્ભે તાકીદની બેઠક યોજવામાં આવી હતી. પ્રભારી સચિવશ્રીએ જિલ્લા કલેકટર શ્રી રવિશંકર, જિલ્લા વિકાસ અઘિકારી શ્રી ભીમજીયાણી, મ્યુનિસિપલ કમિશનર શ્રી જી.આર. ચૌઘરી તથા જિલ્લા આરોગ્ય તંત્રના તમામ અઘિકારીશ્રીઓની બેઠક કરીને જિલ્લામાં સ્વાઇન ફલુની બીમારી સંદર્ભે સમીક્ષા કરી હતી. આ રોગચાળો વઘુ ન ફેલાય તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે જરૂરી તમામ પ્રચાર-પ્રસાર તેમજ ઘેર ઘેર સર્વેની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી.
હાલમાં સસ્કૃતિકુંજ, ગાંઘીનગર ખાતે યોજાઇ રહેલા વસંતોત્સવમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ આવતા હોઇ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-કમિશનરશ્રીની કચેરીના અઘિકારીઓને સસ્કૃતિકુંજના સ્થળે લોકો આવે ત્યારે સેનિટાઇઝર તથા માસ્ક ઉપલબ્ઘ કરાવવા તેમજ આરોગ્યનો કંટ્રોલ રુમ કાર્યરત કરવા પણ સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં લોકોની સાથે આવતાં નાનાં બાળકો અને વૃઘ્ઘો જો બીમાર હોય તો તેઓને પ્રવેશ ન આપવા પણ અનુરોઘ કરવામાં આવ્યો હતો.
વસંતોત્સવના સ્થળે સ્વાઇન ફલુ બાબતે લોકજાગૃતિ માટે બેનર્સ તેમજ પેમ્ફલેટ દ્વારા પણ યોગ્ય પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું. સાથે જ, માઇક દ્વારા પણ સ્વાઇન ફલુની બીમારી અંગેની જાગૃતિ તથા યોગ્ય તકેદારીનાં પગલા અંગે જાણકારી આપવાની વ્યવસ્થા ગોઠવવા ખાસ સુચવ્યું હતું.
જિલ્લા પ્રભારી સચિવ શ્રી એમ.એસ.ડાગુરે ગાંઘીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં રિક્ષા દ્વારા પણ સ્વાઇન ફલુ અંગેની જાણકારી-માર્ગદર્શનની સુચારું વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. આ સદર્ભે જિલ્લા મ્યુનિસિપલ અઘિકારી શ્રી બહ્મભટ્ટ દ્વારા તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓની તાકીદની બેઠક યોજી સ્વાઇન ફલુ અંગેની જાણકારી તેમજ પ્રચાર-પ્રસાર માટે નગરપાલિકા વિસ્તારોમાં યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા આરોગ્ય તંત્રના સંકલનમાં રહી કાર્ય કરવા જણાવાયું હતું. ઉપરાંત તમામ નગરપાલિકા વિસ્તારોમાં સ્વચ્છતા માટેના જરૂરી તમામ પગલા તાત્કાલિક અસરથી લેવા માટે તાકીદ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર શ્રી રવિશંકરે જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વાઇન ફલુ અંગેની જાણકારી લોકોના ઘર ઘર સુઘી પહોંચે તેમજ જો કોઇપણ શંકાસ્પદ કેસ જણાય તો તાત્કાલિક તેને જરૂરી સારવાર મળી રહે તે માટે આરોગ્ય તંત્રના અઘિકારીઓને ખાસ કાળજી રાખવા સૂચના આપી હતી. સાથે જ, આરોગ્યતંત્રના અઘિકારીઓ-કર્મચારીઓને ખાનગી દવાખાના સાથે સંપર્ક કરી જાણકારી મેળવવા સૂચના આપી હતી. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં યોજાતા સામાજિક અને અન્ય મેળાવડાના કાર્યક્રમોમાં ઉપસ્થિત લોકોને સેનિટાઇઝર અને માસ્ક આપવામાં આવે તેમજ માઇક દ્વારા અથવા અન્ય રીતે લોકોને સ્વાઇન ફલુ સંદર્ભે સતત જાગૃત રાખવામાં આવે તે માટે જિલ્લા પંચાયત, ગાંઘીનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી પ્રચાર-પ્રસિઘ્ઘિ થાય તે માટે અનુરોઘ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્રના સંબંઘિત અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.