ટુંડાનુ ગુજરાત સાથે છે કનેક્શન, 1993 ટ્રેન બ્લાસ્ટમાં ટુંડાનો હાથ !!

સોમવાર, 19 ઑગસ્ટ 2013 (10:49 IST)
:
PTI
દિલ્હીના સ્પેશિયલ સેલના હાથે ઝડપાયેલા અબ્દુલ કરીમ ટુંડાના ગુજરાત કનેક્શન અંગે ગુજરાત પોલીસ તપાસ કરી રહી છે. સુરત ખાતે વર્ષ ૧૯૯૩માં થયેલા ટ્રેન બ્લાસ્ટમાં ટુંડા વોન્ટેડ હોવાનું અનુમાન ગુજરાત પોલીસ સેવી રહી છે.

ગુજરાત એટીએસે ૧૯૯૨થી ૧૯૯૮ સુધી ટુંડાને શોધવા ગાઝિયાબાદ તેના મૂળ વતને અનેક આંટાફેરા કર્યાં હોવાની માહિતી ઉચ્ચ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી છે. મૂળ ગાઝિયાબાદનો અબ્દુલ કરીમ ટુંડા વર્ષો પહેલાં અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતો હતો.

ભારતના મોસ્ટ વોન્ટેડ ૨૦ આતંકવાદીઓ પૈકીના એક અબ્દુલ કરીમ ટુંડા અમદાવાદના દાણીલીમડા ખાતે મુમતાઝ નામની તેની બીજી પત્ની સાથે રહેતો હતો. થોડાં વર્ષો સુધી અમદાવાદ ખાતે રહ્યા બાદ અહીંથી તે ભાગી છૂટ્યો હતો.

૧૯૯૩માં સુરત રેલવે સ્ટેશન બહાર બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ બોમ્બ વિસ્ફોટમાં ટુંડાએ ભૂમિકા ભજવી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. આજે ટુંડા પકડાયો છે ત્યારે ગુજરાત પોલીસે પણ આ દિશામાં તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

૧૯૯૨થી ૧૯૯૮ સુધીના ગાળામાં થયેલા દેશભરના કેટલાક શહેરોમાં થયેલા બ્લાસ્ટમાં ટુંડાએ બોમ્બ બનાવવા અને બોમ્બ પ્લાન્ટ કરવા અંગે મહત્વની ભૂમિકા ભજવી હતી. લશ્કર-એ-તોયબાનો આ આતંકવાદી બોમ્બ બનાવવાનો મુખ્ય સૂત્રધાર હતો.

૧૯૯૬ સુધી ગુજરાત એટીએસ દ્વારા વખતોવખત ગાઝિયાબાદ ખાતે ટુંડાની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ સીબીઆઈએ ટુંડાને રેડર્કોનર નોટિસ ઈસ્યુ કરી હતી.

વેબદુનિયા પર વાંચો