ગંદુ પાણી શુદ્ધ કરવા માટે પાટણમાં 8.50 કરોડના ખર્ચે પ્લાન્ટ તૈયાર કરાયો,

સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (15:24 IST)
પાટણ શહેરમાં માખણીયા ઓક્સીડેશન પોન્ડમાં નિકાલ થતા ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવાનો પ્લાન્ટ રૂ.8.5કરોડના ખર્ચે તૈયાર થઇ ગયો છે. જે વીજ જોડાણ મળ્યા બાદ કાર્યરત થઇ જશે. આ પ્લાન્ટનું પાણી આસપાસના ખેતરોમાં સિચાઇ માટે આપવામાં આવનાર છે. શહેરના માખણીયા વિસ્તારમાં રાજ્યના જીયુડીસી દ્વારા સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક વર્ષમાં તૈયાર કરાયો છે.રાજ્યમાં જર્મન એસબીઆર ટેકનોલોજીના ઉપયોગ સાથેનો પાટણનો પ્લાન્ટ પ્રથમ છે. જ્યાં ગંદા પાણી સાથે આવતા મળને અલગ તારવી તેને ટ્રીટમેન્ટ કરીને ખાતરમાં ઉપયોગ કરી શકાશે. વીજજોડાણની માંગણી કરાઇ છે. જે કાર્યવાહી સત્વરે પૂર્ણ થશે. શહેરમાંથી રોજ 12 એમએલડી (મિલિયન લિટર પર ડે) ગંદુ પાણી માખણીયાના ઓક્સીડેશન પોન્ડમાં ઠલવાય છે. જ્યાંથી ડીઝલ ફાઇટર મશીનથી આ પાણી 32 ખેડૂતો ખેતીમાં ઉપયોગ કરે છે. જેમાં પાલિકાને પ્રતિ વર્ષ મશીન દીઠ વાર્ષિક રૂ.12 હજાર લેખે કુલ રૂ.4 લાખની આવક થાય છે. આગામી 20 વર્ષની વસતીને ધ્યાને લઇને રોજ 25 એમએલડીની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવાયો છે. પ્લાન્ટથી અંદાજે 2.5 કિમી સુધી ઇરીગેશન કેનાલ સુધી પાઇપલાઇન નખાય તો વધુ ખેડૂતોને પાણીનો લાભ મળી શકે તેમ છે.  

વેબદુનિયા પર વાંચો