આ છે ગતિશિલ ગુજરાત - સરકારનું ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું કેમ્પેઇન પણ મૂર્તિકારોની હાલત કફોડી

મંગળવાર, 6 સપ્ટેમ્બર 2016 (15:39 IST)
ગણેશ ઉત્સવ માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું કેમ્પેઇન સરકાર ચલાવી રહી છે. પરંતુ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ માટે કે કારીગરોને સારી ચોખ્ખી જગ્યામાં મૂર્તિઓ બનાવવાની અધૂરી સુવિધાઓના કારણે આ કેમ્પેઇન જાહેરખબરોમાં જ સિમિત બની ગયું છે.

ઇકોફ્રેન્ડલી મૂર્તિ માટેના આદેશના પાલનમાં સરકારની બેદરકારીના કારણે મૂર્તિકારોની સ્થિતિ કફોડી બની છે. દેશ બદલ રહા હૈ અને વિકાસશીલ ગુજરાતની વાતો થાય છે, પરંતુ અમદાવાદમાં વર્ષોથી ગણેશમૂર્તિ બનાવીને ગુજરાન ચલાવતા પરિવારોની સ્થિતિ આજે પણ કફોડી છે. દર વર્ષે ગણેશ મહોત્સવનાં ચાર મહિના પહેલાથી વ્યાજ પર રૂપિયા લાવીને મૂર્તિ બનાવવાનું કામ શરૂ કરવુ પડે છે. જોકે, દર વર્ષે તેઓને મુર્તિની કમાણીમાં નુકશાન વેઠવાનો વારો પણ આવે છે. સરકાર દ્વારા માટીની મૂર્તિ બનાવો તેવી જાહેરાત કરાઇ છે, પરંતુ તેના અમલ માટે ગરીબ મૂર્તિકારોને કોઇ મદદ મળતી નથી. માટીની મૂર્તિ ખંડિત થવાનો ડર વધુ હોઇ તેમાં ખૂબ જ નુકસાન પણ થાય છે.
ગુલબાઇ ટેકરામાં બનાવાતી આ ગણેશજીની મૂર્તિઓ દેશ-વિદેશમાં મોકલવામાં આવે છે. ગુલબાઇ ટેકરામાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતાં ચોક્કસ જ્ઞાતિના લોકો દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવ પહેલાં અલગ-અલગ મૂર્તિઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. ગણેશ મહોત્સવ દરમ્યાન આ મુર્તિઓના વેચાણના વકરાથી જ આખા વર્ષ દરમ્યાન આ પરિવારનું ગુજરાન ચાલતું હોય છે,પરંતુ ગંદકી અને જગાના અભાવે તેઓ મૂર્તિમાંથી કમાઇ શકતા નથી અને છૂટક મજૂરી કરવા મજબૂર છે. રિવરફ્રન્ટ પર માટીની મૂર્તિ બનાવવા માટે સરકાર દ્વારા કારીગરોને જગ્યા પણ ફાળવવાની જાહેરાત કરાઇ હતી, પરંતુ અત્યાર સુધી તેઓને જગ્યા નથી મળી. એક તરફ પેટિયું રળવાની જફા તો બીજી તરફ પરિવારના સદસ્યોની સંખ્યા તેમને છૂટક મજૂરી કરવા મજબુર કરે છે. અને આ પરિવાર છૂટક મજૂરી, ઘરકામ કરી પોતાના ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે ગણપતિબાપ્પા અને સરકારની રહેમ નજર આ કારીગરો પર વરસે એવી પ્રાર્થના કરીએ.

વેબદુનિયા પર વાંચો