આતંકવાદીઓના ભયના પગલે સોમનાથના કાર્યક્રમો રદ

સોમવાર, 7 માર્ચ 2016 (17:20 IST)
ગુજરાત બાદ રાજધાની દિલ્લીમાં પણ આતંકવાદી હુમલાનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અલર્ટ મળ્યા પછી પંજાબમાં પણ સઘન સુરક્ષાની કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદમાં સોમનાથ મંદિરમાં એનએસજીની ચાર ટુકડીઓ તૈનાત છે. રવિવારે પંજાબના પઠાણકોટમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. દિલ્લીમાં રેલવે સ્ટેશન, ઈંટર સ્ટેટ બસ ડેપો, એરપોર્ટ અને  શહેરની બીજી ભીડ વાળી જગ્યાઓ પર કડક સુરક્ષા વ્યવસ્થા અને સઘન ચેકિંગ ચાલી રહ્યું હોવાનું દિલ્લી પોલીસના અધિકારીએ જણાવ્યું છે. ઉપરાંત બીજા મેટ્રો સીટિમાં પણ એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પોલીસ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના એનએસએ નસીર ખાન જાંજુઆએ શનિવારે ભારતના એનએસએ અજીત ડોવાલને આતંકવાદીઓની ઘુસણખોરી અંગે જાણકારી આપી હતી. પાકિસ્તાનની જાસૂસી એજન્સીઓના રિપોર્ટના આધારે નસીરે ડોવાલને કહ્યું હતું કે 10 આતંકવાદીઓ દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘુસી શકે છે. આવું પહેલી વાર બન્યુ છે કે પાકિસ્તાને ભારતને આ રીતે આતંકવાદીઓની ઘુસણખોરી અંગે જાણકારી આપી હોય.

ગુજરાત પોલીસના આઈજી એકે જાડેજાએ કહ્યું કે લશ્કર-એ-તૈયબા કે જૈશ-એ-મોહમ્મદના 8-10 આતંકવાદીઓ ગુજરાતમાં ઘૂસવાની શક્યતા અંગે જાણકારી મળે છે. અહીં પણ દરિયાઈ માર્ગે પાકિસ્તાની આવી શકે છે. આ માટે બોટ પર પણ ચાંપતી નજર રાખવામાં આવી છે. મહાશિવરાત્રિ પર અલર્ટના કારણે સોમનાથ મંદિર નિશાને હોય શકે છે. જેને લઈને એજન્સીઓ સતર્ક છે.

વેબદુનિયા પર વાંચો