ના કરે નારાયણ પણ જો આવું થયું તો ગુજરાતના રૂપાણી અને નિતીન ભાઈ ઘરભેગા થવાની શક્યતાઓ
સોમવાર, 17 ડિસેમ્બર 2018 (15:20 IST)
પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે કે જો લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનું ધોવાણ થશે અને કેન્દ્રમાં કોંગ્રેસની અથવા તો સાથી પક્ષો સાથેની કોંગ્રેસને સરકાર રચાશે તો ગુજરાતમાં પણ સત્તા પરિવર્તન નિશ્ચિત છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એક ચક્રી શાસન છે. 2017ની છેલ્લે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ થોડી બેઠકો માટે ચૂંટણી જીતી શકી નહોતી. બીજીબાજુ ભાજપમાં પણ જૂથવાદ ચરમસીમા પર છે પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ચૂંટાયેલા ધારાસભ્યો કે સંગઠનના મોટા નેતાઓએ કશું બોલી શકતા નથી. એક તરફી ચાલતુ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ જો ભાજપને ફટકો પડે તો ભાજપના અસંતુષ્ટ ધારાસભ્યો અને નેતાઓ ખુલ્લેઆમ બહાર આવી જશે. આ થવાના ચાન્સ ઘણા ઓછા હોવા છતાં કોંગ્રેસે આ દિશામાં તૈયારી આરંભી છે. દેશમાં પરિસ્થિતિ બદલાઈ તો ગુજરાતમાં બદલાતા વાર નહીં લાગે એ વાસ્તવિકતા પણ છે. આખરે કોંગ્રેસ તેમજ ભાજપની સરકાર અસંતુષ્ટોનો ટેકો લઈને ઉથલાવી પાડશે. અત્રે નોંધનીય છેકે એકા એક જ ભાજપ સરકારને બદલાવા માટેની ચર્ચા કેમ શરૂ થઈ છે? ભાજપ અને કોંગ્રેસના આગેવાનોને લાગે છે કે હવે લોકસભામાં પણ ભાજપને મોટું નુકસાન થવાની પૂરી શક્યતા છે. આથી ભાજપના ગણ્યાગાંઠ્યા નેતાઓની જોહુકમીથી ત્રાસેલા લોકો બહાર આવી જશે. સચિવાલયમાં ચાલી રહેલી ચર્ચા મુજબ અને આધારભૂત સૂત્રો જણાવે છે કે ભાજપના બે ડઝનથી વધુ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. જેમાં મધ્ય ગુજરાતના ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યોનો સમાવેશ થાય છે.છેલ્લા કેટલાક સમયથી ભાજપ સરકાર અને સંગઠનમાં ભારે અસંતોષ જોવા મળે છે. સરકાર અને સંગઠનની વચ્ચે કોઇ તાલમેલ પણ નથી. નાના-મોટા સિનિયર કાર્યકરો અને આગેવાનો તેમજ ધારાસભ્યોને પણ એવું લાગે છે કે તેમનું કોઈ સાંભળતું નથી. માત્ર બેથી ત્રણ નેતાની આસપાસ જ સત્તા કેન્દ્રિત થઇ ગઈ છે. ભાજપમાં જ ત્રણ દાયકા સુધી રહેલા અને ચારથી પાંચ દરમિયાન સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા નેતાઓની પણ ભારે અવગણના થઈ રહી છે.સાવ નવા નિશાળિયા આવેલા લોકોને મંત્રીપદ તેમજ અન્ય સારા હોદ્દા આપી દેવામાં આવે છે જ્યારે તન-મન-ધનથી વર્ષોથી સેવા કરી રહેલા પાયાના આગેવાનો અને ચૂંટાયેલા ધારાસભ્યોને કોઈ હોદ્દા હોતા નથી. આ બાબતને લઈને ભાજપ ચરમસીમા પર છે આવી સ્થિતિમાં પાંચ રાજ્યોમાં ભાજપને ફટકો પડતાં ભાજપના આવા અસંતુષ્ટ ધારાસભ્યો અને નેતાઓ કોંગ્રેસ સાથે સતત સંપર્કમાં છે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ આ બાબતની પુષ્ટિ કરતા કહ્યું છે કે 21થી વધારે ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.