નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટે પાંચસો મણ મરચાંનો હવન

મંગળવાર, 6 મે 2014 (12:48 IST)
ધાર્મિક વિધિ કે યજ્ઞ, હોમ-હવન જેવા કાર્યો ઘી-કપૂર જેવા પવિત્ર અને સુગંધિત દ્રવ્યો હોમીને થતી હોય છે પણ વડોદરામાં એક વિચિત્ર કહી શકાય અને અચરજ જન્માવે તેવો હવન યોજાયો હતો. મરચાંની ધૂણી આંખમાં લાગે ત્યાં માણસને આંખોમાં ગરમ લ્હાય ઝાળ બળે અને ખાંસી ખાંસીને અધમૂવો બની જાય તેવી ભારોભાર શક્યતા રહેલી હોય છે. ત્યાં વડોદરાવાસીઓએ પાંચસો મણ જેટલા મરચાં હોમીને એક વિશિષ્ટ યજ્ઞ ર્ક્યો હતો. અને મરચાંનો આ હવન યજ્ઞ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટેના આશયથી થયો હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી વડા પ્રધાનના પદે બિરાજમાન થાય તે હેતુથી ન્યૂ સમા વિસ્તારમાં આવેલા શ્રીયંત્ર મંદિરમાં આજે ખાસ મિર્ચી હવનનું આયોજન થયું હતું. છ કલાક સુધી ચાલેલા મિર્ચી હવનમાં ૫૦૦ કિલો મરચાં હવનમાં હોમાયા હતા. મંદિરના મહારાજ મંગલદત્ત દવે બાપજીના જણાવ્યા મુજબ આ યજ્ઞ ચોક્કસ ફળ આપશે અને રામાયણકાળથી આ યજ્ઞ દ્વારા મનોવાંછિત ફળ મેળવાતી હોવાની માન્યતા છે. યજ્ઞમાં ત્રીસેક લોકો સહભાગી થયા હતા. 

વેબદુનિયા પર વાંચો