અંબાજીમાં ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ભાદરવી પૂનમનો મેળો
ગુરુવાર, 7 જુલાઈ 2022 (09:08 IST)
યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા કરીને અંબાજી પહોંચતા હોય છે. ત્યારે અંબાજીના ભાદરવી પૂનમના મેળાને લઇ મોટી જાહેરાત કરવામાં આવી છે. ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન મેળો યોજાશે જેના આયોજનને લઈ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ મેળાનું આયોજન કરે છે.
કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મેળો યોજાશે તેવો ર્નિણય લેવામાં આવતા માં અંબાના ભક્તોમાં ખુશીની લાગણી છવાઈ છે. મહત્વનું છે કે અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળા પહેલાં બેથી ૬ માસ અગાઉ જ વહીવટી તંત્ર મેળાની તૈયારીઓમાં લાગી જતું હતું હોય છે.
આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને યોજાશે કે નહીં તેને લઈ ભક્તોમાં અસમંજસતા, કોરોના મહામારીને પગલે ગત ૨ વર્ષથી ભાદરવી પૂનમનો મેળો યોજાયો ન હતો.ત્યારે આ વખતે મેળો યોજાશે કે નહીં તેને લઈ ચર્ચાઓ થઈ રહી હતી પણ હવે મેળો યોજાશે તેવી જાહેરાત થતાં ભક્તો આનંદિત થઈ ગયા છે.
એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ ૧૭૦ વર્ષ જૂનો છે. પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસીંગજીને ૫૫ વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હતી. જેથી રાજમાતાએ એક દિવસે રામસીંગ રાયકાજી નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માંગી કે આ ખોટ પૂરવા શું ઉપાય છે.
ત્યારે તેમને ખબર પડી કે, તેમની કૂળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. જે બાદ માતાની માનતા રાખતા ભીમસિંગ બાપુને ત્યાં દિકરાનો જન્મ થયો હતો.
ઘણા વર્ષે માતાની કૃપાથી પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી આવવા સૌને આમંત્રણ આપ્યું હતું.
ભુવાજી અને ૫૧ બ્રાહ્મણો ૧૮૪૧ની ભાદરવા સુદ ૧૦ના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા.આમ પ્રથમવાર ભીમસીંગ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણો તેમજ હવે ૫ વર્ષ સુધી પગપાળા અંબાજી જવાની માનતા લઈ પગપાળા સંઘની સ્થાપના કરી.
૧૮૪૧માં શરૂ થયેલી આ રિવાજને આજે પણ જાળવી રખાયો છે. હાલ નાના મોટા ૧૭૦૦થી વધુ સંઘો દર વર્ષે લાખો ભાવિકો સાથે ભાદરવી પૂનમે અંબાજી પહોંચી માં અંબાના આશીર્વાદ મેળવે છે.