સુરતમાં હાર્દિકની સભાને મંજૂરી નહીં આપતાં પાટીદારોનો પોલીસ પર પથ્થરમારો
સોમવાર, 20 માર્ચ 2017 (14:02 IST)
અનામત મંથન માટે વરાછાના યોગીચોક ખાતે યોજવામાં આવેલી હાર્દિક પટેલની મહાસભાને પોલીસે મંજૂરી નહીં આપતા ગિન્નાયેલા પાટીદારોએ રવિવારે સાંજે પોલીસ ઉપર પથ્થરમારો કર્યા હતો. પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ સ્ટાફ પર યોગીચોક પાસે પથ્થરમારો કરી પાટીદારોનાં ટોળાંએ ભારે હંગામો મચાવ્યો હતો. દરમિયાન પાટીદારોનાં ટોળાંને વિખેરવા પોલીસે પણ બળપ્રયોગ કર્યાે હોવાનું જાણવા મળ્યું છે. તેમજ પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
જોકે, બનાવને પગલે યોગીચોક વિસ્તારની દુકાનો ટપોટપ બંધ કરી દેવામાં આવી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રવિવારના રોજ વરાછા યોગીચોક ખાતે અનામત મંથન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઇને પોલીસે પાટીદારોની મહાસભાને મંજૂરી આપવા ઇન્કાર કરી દીધો હતો. પોલીસે અનામત મંથનની મહાસભાને પરવાનગી નહીં આપતા પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. દરમિયાન મહાસભા રદ થઇ હોવા છતાં રવિવારે સાંજે યોગીચોક સ્થિત સભાના સ્થળ પાસે પાટીદારોનાં ટોળેટોળાં ઊમટી પડયાં હતા. પોલીસે બળપ્રયોગ કરતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવને પગલે આખા વિસ્તારમાં તનાવની પરિસ્થિતિ ઊભી થઇ ગઇ હતી. આ ઉપરાંત યોગીચોક ખાતે હંગામો થતાં આ વિસ્તારની આસપાસના દુકાનદારોએ ટપોટપ દુકાન બંધ કરીને ચાલ્યા હતા. તેમજ પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે યોગીચોક વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પાસ દ્વારા પોલીસ પાસે મંજૂરી મેળવવાની કવાયત પણ હાથ ધરી હતી. હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તેમજ સભાનું જે સ્થળ પસંદ કરવામાં આવ્યું છે તે સોસાયટી વિસ્તારમાં હોવાથી સભાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પડે તેમ હોવાથી સભા માટે પાસ દ્વારા માંગવામાં આવેલી પરવાનગી પોલીસે નામંજૂર કરી દીધી હતી.